નલિયા, તા. 7 : અબડાસાના રાતા તળાવ બાજુમાં
આવેલા નરેડીના બિલેશ્વર મહાદેવ ખાતે કચ્છમાં સાર્વત્રિક મેઘમહેરની ભાવના સાથે શ્રી
કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ (મુંબઈ) અને સંત વાલરામજી મહારાજ પાંજરાપોળના સંયુક્ત
ઉપક્રમે ભવ્ય સહસ્ર અભિષેક યોજાયો હતો. આચાર્ય જિતેન્દ્ર મણિશંકર જોશી (ભવાનીપર)ના
પદે 1008 માટીના ઘડામાં ઔષધિયુક્ત પાણી
ભરી શુદ્ધ મંત્રોચ્ચારથી શિવજીનો અભિષેક કરાયો હતો. મુંબઈથી ખાસ પધારેલા સંસ્થાના ટ્રસ્ટી
ઉમરશી શિવજી માવ, હેમરાજભાઈ
ખાનિયા, આસારિયાભાઈ કટારમલ, પરેશભાઈ અને
નવીનભાઈ માવના હસ્તે જલાભિષેક થયો હતો. આયોજિત મહાપ્રસાદનો 1000 ભક્તોએ લાભ લીધો હતો. આ ધાર્મિક ઉત્સવમાં હરિસાહેબ આશ્રમ (હિંગરિયા)ના
મહંત કલ્યાણદાસ મહારાજ, નાના બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત,
હનુમાન મંદિરના મહંત, બિલેશ્વર મહાદેવ પૂજારી પરિવાર
તથા આશાપુરા માતાજી મંદિરના પૂજારી સહિતના સંતોએ આશીર્વાદ આપ્યા હતા. અબડાસાના ધારાસભ્ય
પ્રદ્યુમનાસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા હતા. સાથે જ નરેડી, બાલાચોડ,
મોથાળા, હમીરપર, ભીમપર,
કંકાવટી, નલિયા, ભવાનીપર,
બિટ્ટા, ભાચુંડા, તેરા વગેરે
ગામોના ભક્તો સહિત પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, ગજુભા જાડેજા,
પ્રેમજીભાઈ મંગે (અંકલેશ્વર), શંભુભાઈ મંગે,
કરસનભાઈ ભાનુશાલી, લાલજીભાઈ માવ, જયંતીભાઈ પટેલ, માધવજીભાઈ ભાનુશાલી તેમજ વિવિધ ગામોના
આગેવાનો અને મહાજન મંડળો હાજર રહ્યા હતા. નરેડી અને બાલાચોડ શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના
હસ્તે નોટબુક-બોલપેનનું વિતરણ કરાયું હતું. સંસ્થાના છત્રાસિંહ જાડેજા (નલિયા)એ આભાર
દર્શન કર્યું હતું. વ્યવસ્થા સેવાધામ રાતા તળાવના કાર્યકરો તથા નરેડી-બાલાચોડના યુવાનોએ
સંભાળી હતી. રાતા તળાવ સ્થિત સંત વાલરામ મહારાજ પાંજરાપોળમાં 6,000 જેટલા નિરાધાર ગૌવંશ આશ્રિત
છે. કચ્છની વિકટ ઘાસચારાની સ્થિતિને પહોંચી વળવા સંસ્થાના ચાહકો કાનજીભાઈ વેરશીભાઈ
મંગે (ભવાનીપર-હાલ બોરીવલી), સુરત
ભાનુશાલી મિત્રમંડળ, નાનજી ગોપાલજી ગોરી (વલસાડ) અને હિંમત લક્ષ્મીદાસ
માવ (સેલવાસ) દ્વારા ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ચારો ખરીદીને રાતા તળાવ પહોંચાડવા
ભારે મહેનત કરવામાં આવી રહી છે.