નવી દિલ્હી, તા. 7 : ઈરાન યુદ્ધ
સમયે 32 કિલોમીટરનો એક સમુદ્રી માર્ગ
હોર્મુઝ દુનિયાની રાજનીતિમાં કેવી ઊથલપાથલ કરી શકે તે આખી દુનિયાએ જોઈ લીધું છે. હવે
ભારત ઈન્ડોનેશિયાની સાથે મળીને ચીનને દબાણમાં લાવવા હિન્દ મહાસાગરમાં પોતાનો `હોર્મુઝ'
માર્ગ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત વખતે બંને
દેશ વચ્ચે 20 મહત્ત્વના
કરાર થયા તેમાં નવી ખાડી વિકસાવવાની સાથે બ્રહ્મોસ અને અત્ર મિસાઈલ તેમજ ભારતની ઈવીએમ
ટેક્નોલોજી આપવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. સાથે જ જાવામાં આઈઆઈએમ - બેંગ્લોરનું
પ્રથમ વિદેશી સેન્ટર સ્થપાશે. દરમ્યાન, ઈન્ડોનેશિયાની સંસદને વિશેષ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી
ચીન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ભારત વિસ્તારવાદ નહીં પરંતુ
વિકાસવાદના માર્ગે ચાલે છે. વાસ્તવમાં હિન્દ
મહાસાગરમાં સમુદ્રી રણનીતિને નવી ધાર આપતાં ભારત-ઈન્ડોનેશિયાએ સબાંગ પોર્ટના સંયુક્ત
વિકાસ કરવા સંમતિ સાધી હતી. બંને દેશ જે `હોર્મુઝ' બનાવશે
તે મલક્કાની ખાડીનાં આગમન કેન્દ્ર પર સ્થિત છે. અહીંથી અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં
સ્થિત ઈન્દિરા પોઈન્ટ માત્ર 100 માઈલ એટલે 160 કિલોમીટરનાં અંતરે છે. આ કદમની સાથે જ બંને દેશ ચીનનો ગેમપ્લાન
પલટશે. આ બંદર ભારતના મહત્ત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર ટ્રાન્સ શિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટથી
લગભગ 100 માઈલનાં અંતરે આવેલું છે. ચેન્નાઈથી
દક્ષિણ-પૂર્વ દિશામાં સમુદ્ર માર્ગે આગળ વધતાં વહાણો પહેલા બંગાળની ખાડી પાર કરે છે, ત્યારબાદ અંદામાન સમુદ્રમાંથી પસાર થઈ મલક્કા
જળમાર્ગમાં પ્રવેશે છે. આજે વિશ્વના અંદાજે 25 ટકા વૈશ્વિક વેપાર આ માર્ગ પરથી થાય છે. તેલ, ચીનમાં બનેલાં ઉત્પાદનો, કોલસો અને પામઓઇલ સહિતનો વિશાળ વેપાર અહીંથી પસાર થાય છે. સિંગાપોર,
જે આ જળમાર્ગના દક્ષિણ છેડે આવેલું છે, વિશ્વના
સૌથી વ્યસ્ત બંદરોમાંનું એક છે. ભારત અને ઈન્ડોનેશિયાએ સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, અવકાશ, મહત્ત્વપૂર્ણ
ખનિજો, કૃષિ, ચૂંટણી વ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ અને સાંસ્કૃતિક વારસા સહિત લગભગ 20 મહત્ત્વપૂર્ણ સમજૂતી કરારો
(એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો બંને દેશ વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને
વધુ મજબૂત બનાવશે. - રક્ષા ક્ષેત્રમાં
સૌથી મોટી સફળતા : આ મુલાકાતની
સૌથી મોટી સિદ્ધિ સંરક્ષણ ક્ષેત્રમાં જોવા મળી છે. ભારત હવે ઈન્ડોનેશિયાને પોતાની સ્વદેશી
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ તેમજ અત્ર એર-ટુ-એર મિસાઇલ ઉપલબ્ધ કરાવશે.
ઈન્ડોનેશિયા ભારત પાસેથી આશરે 630 મિલિયન ડોલર
(63 કરોડ ડોલર)નાં સંરક્ષણ સાધનો
ખરીદશે. આ કરાર હેઠળ ઈન્ડોનેશિયા પોતાના બ્રહ્મોસ મિસાઇલ ભંડારનો વિસ્તાર કરશે અને
ભારત તરફથી વધારાની બ્રહ્મોસ બેટરીઓની સપ્લાય કરવામાં આવશે. - ભારતીય EVM ટેક્નોલોજીનો લાભ લેશે ઈન્ડોનેશિયા
: ભારત ઈન્ડોનેશિયાની જરૂરિયાતોને અનુરૂપ
વિશેષ ઇલેક્ટ્રોનિક વાટિંગ મશીન (ઈવીએમ) વિકસાવવામાં પણ સહયોગ આપશે. - સમુદ્રી સુરક્ષા અને સબાંગ
બંદર પર વધશે સહકાર : ભારત અને
ઈન્ડોનેશિયાએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ
કરાર કર્યા છે. બંને દેશના કોસ્ટગાર્ડ વચ્ચે દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ કામગીરી, ક્ષમતા વિકાસ તેમજ સુરક્ષિત સમુદ્રી પરિવહન માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે.
- ક્રિટિકલ મિનરલ્સ અને સ્ટીલ
ક્ષેત્રમાં મોટાં રોકાણનો માર્ગ ખુલ્યો : બંને દેશે મહત્ત્વપૂર્ણ ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેઇન ક્ષેત્રમાં
સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.