ભુજ, તા. 7 : અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના
કેસમાં દોષિત ઠરાવાયેલા અને આજે હાઈકોર્ટે
38ને ફાંસીની સજા ફટકારી છે તે આરોપી પૈકીના
આરોપીમાં 16મા નંબરનો આરોપી ભુજના અબ્બાસ ઉમર સમેજા
ઉર્ફે અભલાને લઈને કચ્છમાં વિસ્તરેલા પ્રતિબંધિત સંગઠન સીમીનાં વ્યાપક નેટવર્ક અને
પગપેસારા સહિતની દેશને હાનિકર્તા અનેકવિધ કડીઓ જે-તે સમયે બહાર આવી હતી અને તેની `ઝેરીલી'
સફર દેશભરનું ધ્યાન ખેંચનારી બની રહી હતી.અંગ્રેજી માધ્યમમાં સ્નાતક
કક્ષા સુધીનો અભ્યાસ કરનાર અને જીમ પ્રશિક્ષક તરીકે કારકિર્દી બનાવવા તૈયાર થયેલા ભુજના
કેમ્પ વિસ્તારમાં રહેતા અબ્બાસ સમેજાની ધરપકડ કરાઇ, ત્યારે 2008ના વર્ષમાં અમદાવાદ બોમ્બ ધડાકા
સાથે કચ્છનું સીધું જોડાણ પાધરું થયું હતું. આ કસરતબાજ અને ખેલકૂદનો શોખીન યુવાન અમદાવાદ
બોમ્બ ધડાકાને લઇને દેશભરમાં કુખ્યાત બની ગયો હતો. જે-તે સમયે ભુજના હોસ્પિટલ રોડ ઉપર
વિજયનગર વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ સંકુલમાં ચાલતા લેક્રોસ નામના અદ્યતન જીમમાં પ્રશિક્ષક
તરીકે કામ કરનારા અબ્બાસ ઉર્ફે અભલા પાસે 100થી 125 મહિલા, પુરુષો અને યુવતીઓ આવતા હતા, જેમાં ખાસ કરીને તબીબોની સંખ્યા સવિશેષ અને નોંધપાત્ર રહી હતી. જીમ પ્રશિક્ષક
તરીકેના ઓઢેલા અંચળા તળે જ ભુજના આ યુવાનની દેશવિરોધી અને સીમીને સંલગ્ન પ્રવૃત્તિ
વધી હતી અને પરાકાષ્ઠાએ પહોંચી હતી. આ જીમમાં કાર્યરત રહેવા વચ્ચે જ તે હાલોલ ખાતે
યોજાયેલા આતંકી કેમ્પમાં ભળતાં નામે સામેલ થઈ આવ્યો હતો, તો અબ્બાસના
જીમમાં પણ સંદિગ્ધ લાગતા હોય તેવા લોકોની અવરજવર પણ અનેક આંખોએ જોઈ હતી. અલબત્ત અત્યંત
સતર્કતા સાથે અને કોઈને ભનક ન પડે તે રીતે તે પોતાની પ્રવૃત્તિઓ ચલાવતો હતો. અમદાવાદમાં
શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરવાની કાર્યવાહી માટે ફાળો એકત્ર કરવામાં ભુજના આ યુવકની આંશિક
ભૂમિકા રહી હતી. તેને પકડયા બાદ તેના ઘરમાંથી મળેલા સીમીના લેટરપેડ સહિતના સાહિત્ય
અને અન્ય વિગતોએ તે પ્રતિબંધિત સંગઠન સાથે કેટલી હદે જોડાયેલો હતો તેનો માપદંડ આપી
ગઇ હતી. અબ્બાસ ઉર્ફે અભલાની આ કેસમાં સામેલગીરી
બાબતે પ્રકાશ પાડતાં જે-તે સમયે ખૂલેલી માહિતી મુજબ બોમ્બ ધડાકા કરવા માટે વેચી નખાયેલું
મકાન ભુજના કેમ્પ વિસ્તારમાં હતું અને વર્ષ 2001માં આ મકાન રૂા. 1.40 લાખમાં વેચાયું હતું. વર્ષ 2002માં મકાન વેચનારનું મૃત્યુ થયા બાદ વર્ષ 2003માં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર
વેચાણનું લખાણ કરાયું હતું. બોમ્બકાંડમાં ધરપકડ કરાયેલા ઝાહીદ શેખે આ મકાન અબ્બાસના
ભાભી હાજરાબેન ઉમર સમેજાનાં નામે ખરીદ્યું હતું. આ મકાન વિશે ભુજ નગરપાલિકાના ચોપડે
પણ નોંધ થયેલી છે. જે નોંધનું લખાણ કેસની તપાસના કામે કબજે લેવાયું હતું. બોમ્બ ધડાકામાં
કચ્છ અને ભુજની સીધી સંડોવણી સપાટી ઉપર આવવાના એ સમયે કચ્છમાં વ્યાપેલી સીમીની જાળ
ભેદવા ક્રાઇમ બ્રાન્ચે ધામા નાખી વ્યાપક કાર્યવાહી કરી હતી, જેમાં બોમ્બકાંડ માટે રચાયેલી ખાસ ટુકડીને જબરદસ્ત
વિગતો હાથ લાગી હતી. ધડાકાઓ થયા બાદ તુરતના સમયમાં ઉઠાવી લેવાયેલો અબ્બાસ ત્યારથી જેલમાં
હતો. વચ્ચે એકવાર નજીકના સંબંધીનાં અવસાનને લઇને તેને ચુસ્ત પહેરા તળે ભુજ લવાયો હતો.