નવી દિલ્હી, તા. 7 : વિવાદોમાં
આવતી રહેતી નીટ પરીક્ષામાં સરકાર ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. આવતા વર્ષથી જ નીટ-યુજી પરીક્ષાનું સમગ્ર સ્વરૂપ બદલવાની તૈયારી ચાલી રહી
છે. હવે આ પરીક્ષા એક દિવસ અને માત્ર લેખિતની જગ્યાએ કોમ્પ્યુટર આધારિત રહેશે અને પાંચથી
છ દિવસ અલગ-અલગ શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે. આ ધરમૂળથી પરિવર્તનનો હેતુ પરીક્ષાને
વધુ સલામત, પારદર્શી અને પેપર લીક
જેવી ઘટનાઓને બચાવવાનો છે. અહેવાલ અનુસાર પરીક્ષા દેશભરમાં આશરે પાંચસો શહેરમાં બનાવવામાં
આવેલાં 1000 પરીક્ષા કેન્દ્ર પર લેવામાં
આવશે. મોટાભાગના પરીક્ષાકેન્દ્ર કેન્દ્રીય વિદ્યાલય (કેવી), નવોદય વિદ્યાલય (જેએનવી) અને અન્ય સરકારી સંસ્થાનોમાં બનાવવામાં
આવશે. દરેક દિવસે આશરે પાંચ લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર પ્રતિદિન આશરે
500 પરીક્ષાર્થીને બેસવાની વ્યવસ્થા
કરવામાં આવશે અને આ રીતે પાંચથી છ દિવસમાં તમામ પરીક્ષાર્થીની પરીક્ષા પૂરી કરવામાં
આવશે. સૂત્રોએ કહ્યું કે માત્ર પરીક્ષાની પદ્ધતિ જ નહીં, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. અહેવાલો અનુસાર સંગઠનની
કાર્યપ્રણાલી, ટેકનિક, માળખાંકીય અને વહીવટી
વ્યવસ્થામાં પણ આમૂલ ફેરફાર કરવામાં આવશે.