ભુજ, તા. 7 : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ
દ્વારા રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાં ફૂલ ટાઇમ પીએચ.ડી. કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને
ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી `શોધ'
યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને
મહત્તમ બે વર્ષ માટે માસિક રૂા. 15,000નું સ્ટાઈપેન્ડ અને પુસ્તકો તેમજ સંશોધન સામગ્રી માટે વાર્ષિક
રૂા. 20,000ની સહાય પૂરી પાડવામાં આવે
છે. આ ફેલોશિપ માટે તા. 01/07/2018 પછી પીએચ.ડી.માં પ્રવેશ મેળવેલા, કોઈ નોકરી કે આવકનાં સાધનો ન ધરાવતા અને અન્ય
કોઈ સ્કોલરશિપનો લાભ ન લેતા હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા પાત્ર
ઠર્યા હતા. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
વિભાગના વડા અને શોધ યોજનાના નોડેલ ઓફિસર ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, વર્ષ 2019થી અત્યાર
સુધીમાં યુનિવર્સિટીની 5 બેચના આશરે
75 જેટલા વિદ્યાર્થી આ યોજનાનો
લાભ લઈ ચૂક્યા છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાંથી 66 સંશોધક વિદ્યાર્થીએ અરજી સબમિટ
કરી હતી. સમગ્ર ગુજરાતની 45થી વધુ યુનિવર્સિટીના 1000થી વધુ અરજદારોમાંથી 842 વિદ્યાર્થીની આ ફેલોશિપ માટે
આખરી પસંદગી થઈ છે. આ યાદીમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના
46 વિદ્યાર્થી સંશોધન સહાય મેળવવામાં
સફળ રહ્યા છે. સફળતાથી કચ્છ યુનિવર્સિટી અને
તેની સંલગ્ન કોલેજોમાં સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે, કુલપતિ ડો. મોહનભાઈ પટેલ અને કુલસચિવ ડો. અનિલ
ગોરે અભિનંદન પાઠવ્યા છે.