• મંગળવાર, 16 જૂન, 2026

આર્થિક સંકટમાંય નિકાસ વધી

નવી દિલ્હી, તા. 1પ: ઈરાન યુદ્ધનાં કારણે દુનિયાભરનાં અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યારે પણ ભારતીય સામાનની નિકાસ મે માસમાં વાર્ષિક ધોરણે 18 ટકા જેટલી વધી છે. જે છેલ્લા છ માસનો સૌથી મોટો માસિક વધારો છે. જો કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળનાં કારણે પેટ્રો પેદાશોની વધુ આયાતનાં હિસાબે વેપાર ખાધ વધીને 28.21 અબજ ડોલર થઈ ગઈ છે. તેમ છતાં વેપાર ખાધ એપ્રિલની 28.38 કરતા તો થોડી ઓછી જ રહી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આંકડા મુજબ મે મહિનામાં ભારતના માલની નિકાસ 18 ટકા વધીને 45.2 અબજ ડોલર એટલે કે 4,30,197.81 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. વિશ્વભરમાં ભારતીય માલની માગ વધી રહી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આ અંગે ખુશી વ્યક્ત કરી છે. મે 2026માં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ ભારે વધારો નોંધાયો છે. તેમાં 54.89 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. તેના પરિણામે આ નિકાસ 8.42 અબજ ડોલર (80,138.62 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. દેશની કુલ નિકાસ વધારવામાં તેનું મોટું યોગદાન રહ્યું છે. જોકે પશ્ચિમ એશિયાના બજાર તરફથી થોડી નિરાશા મળી છે. મે મહિનામાં પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ 5.30 અબજ ડોલર રહી હતી. ગયા વર્ષે મે 2025માં આ આંકડો 5.38 અબજ ડોલર હતો. આ વખતે ત્યાં થોડો ઘટાડો નોંધાયો છે. નિકાસની સાથે દેશની આયાતમાં પણ વધારો થયો છે. મે મહિનામાં ભારતની આયાત 20.62 ટકા વધી છે. ભારતે કુલ 73.41 અબજ ડોલર (લગભગ 6,98,690.74 કરોડ રૂપિયા)નો માલ વિદેશથી આયાત કર્યો છે. આયાત વધુ હોવાથી દેશની વેપાર ખાધ પણ વધી ગઈ છે. મે મહિનામાં આ ખાધ 28.21 અબજ ડોલર (2,68,492.93 કરોડ રૂપિયા) રહી હતી. આ આયાત વધારવામાં સોનાની મોટી ભૂમિકા રહી છે.

Panchang

dd