• મંગળવાર, 16 જૂન, 2026

ભીરંડિયારાના યુવકને મરવા મજબૂર કર્યાની પાંચ સામે ફરિયાદ દાખલ

ભુજ, તા. 15 :  જે યુવતી સાથે રાજસ્થાન નાસીને નિકાહ કર્યા તે યુવતીએ જ થોડા દિવસ બાદ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અને યુવક જેલમાં હતો ત્યારે યુવતીએ બીજા યુવક સાથે બીજાં લગ્ન પણ કરી લીધાં. આ ષડયંત્ર રચનારાઓ જામીન પર છૂટેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કંટાળીને ભીરંડિયારાના રજાક વલીભાઈ રાયશીએ ગત તા.11 અને 12 વચ્ચેની રાતે વીજળીના પોલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને ઓસીકાં નીચેથી સ્યૂસાઈડ નોટ મળતાં પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરાવાયો છે. આ મરવા મજબૂર કર્યા અંગે ધોરડો પોલીસ મથકે નેંધાયેલી ફરિયાદ તથા સંબંધિતો પાસેથી મળેલી સિલસિલાવાર વિગતો મુજબ ગત તા.8/4ના રજાક આદિપુરમાં રહેતી યુવતી સાથે રાજસ્થાન ભાગી ગયો હતો, જેથી આ બન્ને પરિવારે ગુમનોંધ પોલીસમાં નોંધાવી હતી. બાડમેરમાં બન્નેએ મૈત્રીકરાર તેમજ નિકાહ કરી લીધા હતા. આ બાદ બન્નેની ભાળ મળતાં પરિજનોએ સમાધાન કરી સમાજના રીત-રીવાજ મુજબ થોડા દિવસોમાં લગ્ન કરાવી આપવાની બાંહેધરી આપી, પરંતુ આ વચ્ચે યુવતીએ આદિપુર પોલીસ મથકે રજાકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ દુષ્કર્મના ગુના સબબ રજાકની અટક થઈ હતી અને જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં મોકલાયો હતો. રજાક જેલમાં હતો તે દરમ્યાન યુવતીનાં બીજાં લગ્ન અન્ય યુવક સાથે કરી દેવાયાં હતાં અને તા. 6/6ના રજાકને જામીન મળતાં ઘરે આવ્યો હતો. મૃતક રજાકના ભાઈ ચનેશરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 11/6ના સાંજે રજાક જમીને મારા અને મુસ્તાક પાસે સૂતો હતો, ત્યારે રજાકે કહ્યું કે, મને જામીન સુમાર અને ગુલાબી રમજાન બન્ને મારવાની ધમકી આપે છે. આથી ફરિયાદીએ કહ્યું કે, સવારે આગેવાનો સાથે વાત કરી સમાધાન કરી નાખશું, અત્યારે તું સૂઈ જા. આ બાદ સવારે જોતાં રજાક ખાટલા પર હાજર ન હતો. શોધખોળ કરતાં હમધાણીવાંઢ જવાના રસ્તે વીજળીના પોલ પર લટકેલી હાલતમાં મળ્યો હતો. રજાક જે ખાટલા ઉપર સૂતો હતો તે ખાટલાનાં ઓસીકાં નીચેથી એક ચીઠ્ઠી મળી હતી, જેમાં પોતાનું નામ લખીને જામીન સુમાર રાયશી, ઈશાક સુમાર રાયશી (રહે. આદિપુર), કમાલશા સઈયદ, ગુલાબી રમજાન રાયશી અને દરિયા ગુલાબી રાયશી (રહે ત્રણે ભીરંડિયારા)ને કારણે હું મજબૂર થઈને મરું છું. મારાં મોતના જવાબદાર આ પાંચ લોકો રહેશે અને નીચે પોતાની સહી કરી હતી. ફરિયાદી ચનેશરે ધોરડો પોલીસને સ્યૂસાઈડ નોટ આપી પાંચે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે મરવા મજબૂર કર્યા સબબ પાંચ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

Panchang

dd