ગાંધીધામ, તા. 15 : અહીં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા (મનપા) બન્યા
બાદ શહેરની કાયાપલટ થશે તેવી આશા રાખતી જનતા આજે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી શહેર-સંકુલમાં માર્ગો, ગટર, વરસાદી નાળાં, પેવરબ્લોકનાં કરોડોના ખર્ચે કામો તો
શરૂ કરાયાં છે, પરંતુ આ વિકાસ હવે વિનાશ સાબિત થઇ રહ્યો છે.
ચોમાસું બિલકુલ માથે આવીને ઊભું છે, ત્યારે પણ કામો હજુ
અધૂરાં અને પ્રગતિમાં છે. બે દિવસ પહેલાં જ નાળામાં પડી જવાથી એક આધેડનું મોત થયું
હતું. મહાનગરપાલિકા દ્વારા કરાતાં કામોમાં ગુણવત્તાનાં નામે મીંડું હોવાની વ્યાપક
ફરિયાદો છે. અગાઉ તત્કાલીન કમિશનરે નબળી ગુણવત્તાનાં કામો જોઇને તેને તોડાવી પાડી
ફરીથી શરૂ કરાવ્યાં હતાં અને ઠેકેદારોને લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો,
પરંતુ આ કડક કાર્યવાહી છતાં કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી હલતું નથી.
લોટ-પાણી ને લાકડાં જેવાં કામો કરીને લોકોના વેરાના પૈસાનો વેડફાટ થઇ રહ્યો હોવાના
આક્ષેપો જાગૃત નાગરિકો કરી રહ્યા છે. ગાંધીધામમાં આવા અણઘડ અને અધૂરાં કામોના લીધે
જાન ગુમાવવાનો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ એક નિર્દોષ યુવાનનું આવાં જ બેદરકાર
કામોનાં કારણે મોત થયું હતું. એ સમયે લોકોના આક્રોશને શાંત કરવા માટે અમુક નાના
કર્મીઓને સસ્પેન્ડ કરીને તંત્રએ હાથ ધોઇ નાખ્યા હતા, ત્યારે
આ વખતે કોની જવાબદારી બેસાડાય છે તે પ્રશ્ન છે. ચોમાસાંની ઋતુ દરવાજે દસ્તક દઇ રહી
છે, તો પ્રિ-મોન્સૂન પ્લાનિંગનાં નામે કરોડો રૂપિયા ક્યાં
વપરાયા ? કામો હજુ અધૂરાં છે ? શક્તિનગરમાં
નાળાં પાસે સુરક્ષા દીવાલ, બેરિકેડ કે ચેતવણીનાં બોર્ડ કેમ
નહોતા મુકાયા ? શું તંત્ર હજુ પણ કોઇ મોટા અકસ્માતની કે અન્ય
કોઇ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોઇ રહ્યું છે તેવું લોકો પૂછી રહ્યા છે. હાલમાં
અહીંના લોકો ભયભીત છે કે જો સામાન્ય દિવસોમાં આ નાળાં અને ખાડાઓ જીવલેણ સાબિત થતાં
હોય તો ભારે વરસાદમાં જ્યારે રસ્તાઓ પર પાણી ભરાશે ત્યારે પરિસ્થિતિ કેટલી ભયાનક
હશે ? જાગૃત લોકો અને વેપારીઓ યુદ્ધનાં ધોરણે આ તમામ પ્રગતિ
હેઠળનાં કામોને યોગ્ય ડાયવર્ઝન અને સુરક્ષાનાં સાધનો સાથે ત્વરિત પૂર્ણ કરવા માંગ
કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર બનાવ બાદ કુંભકર્ણની નિદ્રામાં
પોઢેલું વહીવટી તંત્ર અને શાસકો જાગશે ખરા ? કે પછી લોકો તો
મરતા રહેશે અને વિકાસ ચાલતો રહેશે તેવી સુસ્તી જ જાળવી રાખશે ? તે પ્રશ્ન છે.