• મંગળવાર, 16 જૂન, 2026

ડીઝલ કાપથી ચાઇનાક્લે-બેન્ટોનાઇટ ઉદ્યોગ સંકટમાં

ભુજ, તા. 15 : વર્તમાન સમયમાં ડીઝલના સર્જાયેલા સંકટથી ચાઇનાક્લે ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ જશે તેથી જિલ્લાના ચાઇનાક્લે માઇનિંગ અને પ્રોસાસિંગ પ્લાન્ટની હેવી મશીનરી માટે અગાઉની જેમ જ જૂની પદ્ધતિ મુજબ બેરલ/કન્ટેનરમાં ડીઝલનો જથ્થો આપવાની સામૂહિક મંજૂરી આપવા કચ્છ ચાઈનાક્લે એસોસીએશને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. ઓલ કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર એસો. પણ આ રજૂઆતમાં જોડાયું હતું. સોમવારે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર ભારતમાં કચ્છ જિલ્લાનો ચાઇનાક્લે અને મિનરલ ઉદ્યોગ દેશના સિરામિક, પેપર અને અન્ય મેન્યુફેક્ચારિંગ સેક્ટર માટે કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગ સાથે હજારો શ્રમિક અને સ્થાનિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. ગ્રાડિંગ, માઇનિંગ અને પ્રોસાસિંગના આ વ્યવસાયમાં અત્યંત ભારે મશીનરીઓ જેવી કે ક્રશર પ્લાન્ટ્સ, હેવી લોડર્સ, હિટાચી, જેસીબી મશીનો અને હાઇ-કેપેસિટી જનરેટર સેટ્સ સતત કાર્યરત રહે છે. આ તમામ મશીનરીઓ માત્ર એક્સકેવેશન સાઇટ (ખનન વિસ્તાર) કે ફેક્ટરી કમ્પાઉન્ડની અંદર જ ચાલે છે, તેનું કદ અને વજન એટલું વધારે હોય છે કે તેને ઇંધણ ભરાવવા માટે સામાન્ય રસ્તાઓ પર ચલાવીને નજીકના છૂટક પેટ્રોલ પંપ સુધી લઈ જવી કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગત 11 જૂનના બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, પેટ્રોલ પંપ પરથી વાહન સિવાય બેરલમાં ડીઝલ આપવા પર પ્રતિબંધ અને દૈનિક 200 લિટરની મર્યાદા લાદવામાં આવી છે. આ નિયમને કારણે કચ્છ જિલ્લાના તમામ માઇનિંગ લીઝ હોલ્ડર્સ અને પ્લાન્ટ ઓનર્સ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. હેવી મશીનરીનો દૈનિક વપરાશ 200 લિટર કરતાં ક્યાંય વધારે હોય છે. જો ખાણ અને પ્લાન્ટ સાઇટ પર અગાઉની જેમ જ જૂની પદ્ધતિ મુજબ બેરલો દ્વારા ડીઝલ લાવવાની મંજૂરી તાત્કાલિક નહીં મળે, તો સમગ્ર કચ્છ જિલ્લાનો ચાઇનાક્લે ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ જશે. ઉત્પાદન બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેન તૂટશે અને ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર અને શ્રમિકોના રોજગાર પર પડશે. બેન્ટોનાઇટ એસો.એ માંડવી, અબડાસા અને લખપતમાં બેરલ સિસ્ટમ દ્વારા ડીઝલ આપવાની માંગ કરી છે. કચ્છ જિલ્લાના ચાઇનાક્લે ઉદ્યોગ અને હજારો શ્રમિકોના હિતમાં, ખાસ કિસ્સા તરીકે ઉદ્યોગકારોને તેમની વાજબી જરૂરિયાત મુજબ અગાઉની જેમ જ, કોઈ નડતર વગર જૂની પદ્ધતિથી બેરલ/કન્ટેનરમાં ડીઝલનો જથ્થો ઉપાડવાની વિશેષ મંજૂરી આપવા કચ્છ ચાઇનક્લે એસોસીએશન પ્રમુખ ગોકુલભાઈ કાનાભાઈ ડાંગર સહિતનાએ માંગ કરી છે. બેન્ટોનાઇટ એસો.ના પ્રમુખ વિપુલ ભાનુશાલી, નીલેશ પટેલ, જયદીપસિંહ જાડેજા, હિતેન ગોર રજૂઆતમાં જોડાયા હતા.

Panchang

dd