નવી દિલ્હી, તા. 13 : હોર્મુઝમાં
ત્રણ ભારતીયનો જીવ લેનાર સૈન્ય હુમલા બાદ ભારતે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો
પણ અમેરિકા લાજવાનાં સ્થાને ગાજે છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું
કે, હોર્મુઝમાં તમામ જહાજોએ અમારી સેનાના આદેશ માનવા
જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટેલિફોનિક વાતચીતમાં ભારતીય વિદેશમંત્રી
જયશંકરે જણાવ્યું હતું કે, વેપારી જહાજો પર આવી જીવલેણ કાર્યવાહી
સ્વીકાર્ય નથી. બન્ને વિદેશમંત્રીએ ફોન પર વાત કરી હતી, ત્રણ
ભારતીયનાં મોત મુદ્દે વિરોધ નોંધાવતાં જયશંકરે જણાવ્યું હતું કે, જીવ લઈ લે તેવું કોઈ કૃત્ય કોઈ પણ રીતે યોગ્ય ઠરાવી ન શકાય. ખાસ કરીને કોમર્શિયલ
જહાજો સામે આવી કાર્યવાહી ઉચિત નથી. તેના થોડા કલાક બાદ જ રૂબિયોએ કહ્યું હતું કે,
કોમર્શિયલ જહાજોએ હોર્મુઝમાં અમેરિકી દળોના આદેશોનું પાલન કરવું જોઈએ.
અમેરિકી નાકાબંધીનું ઉલ્લંઘન સહન કરી નહીં લેવાય, તેવી ચેતવણી
રૂબિયોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાન પર ભારતીય જહાજોને નિશાને લેવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ રૂબિયોની પોકળ ધમકી પરથી એ સાબિત થઈ જાય છે કે, હુમલો અમેરિકાની સેનાએ જ કર્યો હતો. હોર્મુઝમાં હાલમાં સતત ત્રણ દિવસ સુધી
ભારતીય જહાજો પર હુમલા થયા હતા જેમાં ત્રણ ભારતીયનાં મોત થયા હતા.