• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ભુજમાં પહોળા થતા રસ્તાનાં કામોમાં તંત્રોમાં સંકલનનો અભાવ

ભુજ, તા. 16 : શહેરમાં વધતા જતાં ટ્રાફિકનાં ભારણને ઓછું કરવા માર્ગ અને મકાન વિભાગ તથા ભાડા દ્વારા શહેરના રિંગરોડને પહોળા કરવાની ચાલી રહેલી કામગીરી અનુકરણીય અને જરૂરી છે, પરંતુ આ કામોમાં તંત્રોનું સંકલન ન હોવાનું નાગરિકોને આંખે ઊડીને સામે આવી રહ્યું છે.

જેસીબીએ લાઈન તોડી પાડતાં 15 દિવસથી ગટર વહે છે

આર.ટી.ઓ. સાઈડમાં ચાલતાં કાર્યમાં ડીઆઈજીના બંગલા સામે છેલ્લા 15 દિવસથી ગટરની લાઈન તોડી પાડવામાં આવી છે, પણ સુધરાઈ દ્વારા હજુ સુધી  લાઇન મરંમત કરાઇ નથી, તો આ ગટરનાં પાણી નીચે જ નર્મદાની લાઈન પસાર થતી હોવાથી ગંદા પાણી પીવાનાં પાણીમાં ભળવાની સંભાવના જાગૃત નાગરિકો વ્યકત કરી રહ્યા છે.

વીજપોલ અને ટ્રાન્સફોર્મર નથી હટાવાયા

આગળ જતાં જ્યાં દર વર્ષે નવરાત્રિમાં જ્યાં નમો કેમ્પ થાય છે, તે ફૂટપાથ તોડવાની કામગીરી તો શરૂ કરાઈ, પરંતુ વચ્ચે વીજપોલ અને ટ્રાન્સફોર્મર ઊભા છે, ખરેખર તો દરેક વિભાગે સંકલન કરી સમયસર કામગીરી કરવી જોઈએ.

કેબલો ઉખેડી નખાયા

આ કામગીરી દરમ્યાન અનેક સ્થળે મોબાઈલ કંપની દ્વારા પાથરવામાં આવેલા કેબલો ઉખેડી નાખવામાં આવ્યા છે, ત્યારે આવી કામગીરી વખતે જે-તે કંપનીના તજજ્ઞોને સાથે રાખવા જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે.

તંત્રની વહાલાદવલાની નીતિ

આમ તો કોઈપણ વિકાસકામો માટે વચ્ચે આવતી ખેડૂતો અથવા અસરગ્રસ્તોની જમીનો સંપાદન કરવામાં આવે છે, પરંતુ આર.ટી.ઓ.થી ભુજ બાજુ આવતા માર્ગે એમ.ઈ.એસ.થી લઈ આઈ.જી.ના બંગલા પાસે, જિલ્લા ઉદ્યોગ થઈ છેક ન્યૂ લોટસ કોલોની સુધીના રસ્તાને પહોળો કરવામાં જાણે બાકાત રાખી દેવાયો હોય તેવો તાલ સર્જાયો છે, વિકાસકામોમાં જો ખેડૂતોની કિંમતી જમીનો સંપાદિત થઈ શકતી હોય તો આ વિસ્તારમાં કેમ ન થઈ શકે, તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.

પહોળા માર્ગો બાદ દબાણો હટાવવાય જરૂરી

તંત્ર દ્વારા રસ્તા તો પહોળા કરાય છે, પરંતુ આ રસ્તાઓ પરનાં દબાણો હટાવાયે એટલા જ જરૂરી છે અન્યથા માર્ગો પહોળા કરવાનો કોઈ  અર્થ સરશે નહીં.

જૂના ડામર-રબ્બરના સ્પીડબ્રેકર નથી હટાવાતા

હાલ આર.ટી.ઓ. સાઈડ પર ડામરનો થર ચડાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે, પરંતુ આ માર્ગ પરના જૂના ડામર અને રબ્બરના સ્પીડબ્રેકર હટાવવાનીયે તસ્દી તંત્ર લેતું નથી જેથી થોડા માંડ એકાદ ઈંચ જેટલા ચડાવાતા ડામરની સપાટીમાંથી આવા બંપરો બહાર આવી જાય છે, તો રસ્તા પરના ખાડાઓનું વ્યવસ્થિત  પૂરાણ પણ ખાનગી કંપની દ્વારા કરાતું નથી જેથી સમયાંતરે આવા ખાડાવાળો ભાગ બેસી જતો હોવાનો ગણગણાટ જાગૃતોમાંથી સંભળાઈ રહ્યો છે.

સ્પીડબ્રેકર જરૂરી

આ નવા બની રહેલા માર્ગોના કારણે કેટલાક વાહનચાલકો બેફામ બન્યા હોવાથી ઠેકઠેકાણે સ્પીડબ્રેકરો જરૂરી હોવાનું જાગૃતો કહી રહ્યા છે.

Panchang

dd