ભુજ, તા. 16 : ગઇકાલે
રાત્રે લોડાઇ અને ધ્રંગ વચ્ચે બે બાઇકની થયેલી જોરદાર ટક્કરમાં આ ગમખ્વાર અકસ્માતમાં
મહાશિવરાત્રિનો ધ્રંગ ખાતે મેળો મહાલવા ગયેલા 25 વર્ષીય
યુવાન ગોવિંદ કાળુભાઇ ડામોર (રહે. નાડાપા મૂળ પંચમહાલ)નું મૃત્યુ થયું હતું. જ્યારે
તેની સાથેના કૌટુંબિક ભાઇ મગન મોહનભાઇ ઝાલૈયા (આદિવાસી) (રહે. પદ્ધરવાળી વિસ્તાર, મૂળ પંચમહાલ) ઘાયલ થયો છે. આ જ અકસ્માત સામે બાઇકના ચાલક હરેશ કરશન કોલી અને
તેનો બે વર્ષીય માસુમ બાળક ઇશ્વર (રહે. ખેંગારપર, તા. ભુજ)નું
કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે ઘાયલ મગનના ભાઇ ગોરજીભાઇએ માધાપર પોલીસ મથકે
નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે તેનો ભાઇ મગન અને ફઇનો દીકરો ભાઇ ગોવિંદ પોતાની સ્પલેન્ડર
નં. જી.જે. 17-સી.ક્યુ. 9484 વાળી લઇને ધ્રંગમાં શિવરાત્રિનો મેળો મહાલવા ગયા હતા
અને પરત વળી રહ્યા હતા ત્યારે ધ્રંગ-લોડાઇ વચ્ચે ધ્રંગ તરફથી આવતી બાઇક નં. જી.જે.
12-ડી.બી. 0264ના
ચાલકે પૂરપાટ ચલાવી અકસ્માત સર્જતાં મગનને માથા તથા શરીરે ઇજા પહોંચતાં સારવાર તળે
છે. આ અકસ્માતમાં સામેવાળા બાઇકચાલક હરેશ કરશન કોળી અને હરેશના બે વર્ષના દીકરા ઇશ્વરનું
પણ મૃત્યુ થયું છે. પોલીસે માર્ગ અકસ્માતમાં મૃત્યુનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી
છે.