• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગુજરાતમાં વધુ બે બાળકને એચએમપીવી સંક્રમણ

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના દક્ષિણ બોપલમાં રહેતા 9 માસના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીના બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ 9 જાન્યુઆરીના  પોઝિટિવ આવ્યો છે. બાળકને છેલ્લા કેટલાય સમયથી શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. દરમ્યાન, સાબરકાંઠામાં પણ સાત વર્ષના બાળકને એચએમપીવી પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ વધી છે. બોપલના કેસ અંગે મેડિકલ ઓફિસર ડો. સ્મૃતિ મહેતાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે બાળક દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં બાળક આઈસીયુમાં વેન્ટિલેટર મશીન પર છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ જ છે. એક્સ-રેમાં બાળકને ન્યૂમોનિયા આવે જ છે.  દરમ્યાન એચએમપીવીને લઈ સાબરકાંઠાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં 7 વર્ષના બાળકનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો છે, બે દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું, જેનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.  નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં એચએમપીવી વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ ગઇકાલે  પોઝિટિવ આવ્યો હતો. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd