નવી દિલ્હી, તા. 6 : દિલ્હીમાં
રાયસીના ડાયલોગમાં સામેલ થવા પહોંચેલા ઈરાનના નાયબ વિદેશમંત્રી સઈદ ખતીબજાદેહે જણાવ્યું
હતું કે, અમે અમેરિકા અને ઈઝરાયલ સામે છેલ્લી ગોળી અને
છેલ્લા સૈનિક સુધી લડી લેવાના સોગંધ લઈ લીધા છે. ઈરાનમાં નેતૃત્વ બદલવાની વાત કરી રહેલા
ટ્રમ્પ પોતાના જ દેશમાં ન્યૂયોર્કના મેયર પણ નિયુક્ત નથી કરી શક્તા, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. ખતીબજાદેહ બોલ્યા હતા કે, અમારી પાસે દેશની રક્ષા માટે બહાદુરીથી લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઈરાની નેતાએ
અમેરિકા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પોતાના દેશમાં લોકતંત્રની
વાત કરી રહેલા ટ્રમ્પ ઈરાનની લોકતાંત્રિક સરકારનું
પતન કરવા માગે છે. અમારા દેશની રાજનીતિક વ્યવસ્થા બદલવાના કોઈ પણ પ્રયાસનો અમે જવાબ
આપીશું, તેવું સઈદ બોલ્યા હતા. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ કહ્યું
હતું કે, કુર્દ સમુદાયને ભાગલાવાદ સાથે જોડીને જોવો અયોગ્ય છે.
ઈરાનના કુર્દ દેશની ઓળખના અગત્યના ભાગ છે. ભાગલાવાદી તાકાતોને બહારથી ઉત્તેજન મળે છે.