• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

ખૈબરમાં પાક સૈન્ય છાવણી પર તાલિબાની કબજો

નવી દિલ્હી, તા. 30 : વિશ્વના વિવિધ ભાગોમાં લોહિયાળ યુદ્ધોથી ઉચાટ અને અજંપાની પરિસ્થિતિ છે, ત્યારે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ભીષણ યુદ્ધ જામવાનાં એંધાણ મળી રહ્યાં છે. આતંકવાદને પોષવાનાં પાપની પાડોશી દેશને ભારે કિંમત ચૂકવવી પડી હોય તેમ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓએ સોમવારે ખૈબર પખતુંખ્વા પ્રાંતમાં બાજૌર જિલ્લાના સાલારજાઇ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય મથક પર કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી `ઝઘડાનાં મૂળ' સમાન વિવાદાસ્પદ સીમારેખા ડુરંડ લાઇનથી તાલિબાનના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાની મિલિટરી બેઝ પર કબજો કરાયાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાની હવાઇ હુમલાના બદલારૂપે પાક સેનાની અનેક સીમાચોકીઓ પર નિશાન સાધીને હુમલો કરતાં 19 પાકિસ્તાની સૈનિકને માર્યા હોવાનો દાવો પણ તાલિબાને કર્યો હતો. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના હુમલાઓએ આજે પાકિસ્તાની સેના અને અફઘાનમાં સત્તારૂઢ તાલિબાનની સેના વચ્ચે ખતરનાક યુદ્ધની સ્થિતિ પેદા કરી દીધી છે. બંને દેશે વિવાદાસ્પદ ડુરંડ લાઇન પર ભારે હથિયારો સાથે પોતાની સેનાઓના જવાનો તૈનાત કરી દીધા છે. ટીટીપી દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પાકિસ્તાની સૈન્ય મથક કબજામાં લઇને ખૈબર પખતુંખ્વા પ્રાંતમાં હથિયારો લહેરાવતા આતંકવાદીઓ દેખાય છે. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા પાકના 16 સૈનિકની હત્યા બાદ પાક વાયુદળે વળતા હવાઇ હુમલા કર્યા. પાકિસ્તાની હુમલાથી ભડકેલાં તાલિબાને ડુરંડ લાઇન પાસેની પાકની સીમાચોકીઓ પર હુમલા કરીને 19 પાકિસ્તાની સૈનિકને માર્યાના દાવો કર્યો હતો. એ સિવાય તાલિબાન આંતકીઓએ પાકિસ્તાની સેનાની બે સીમાચોકી પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો હતો. અફઘાનિસ્તાન અંગ્રેજોએ ખેંચેલી ડુરંડ લાઇનને માનતું નથી, જેનાં કારણે શરૂઆતથી જ પાક અને અફઘાન વચ્ચે તાણભરી સ્થિતિ છે. હવે બન્ને દેશે એક બીજા પર હુમલા કરીને ડુરંડ લાઇનનો મુદ્દો ફરી ગરમ કર્યો છે. હજારો અફઘાન નાગરિકને સીમાવર્તી ભાગોમાંથી  હટીને સલામત સ્થળોએ જવું પડયું છે. અફઘાનની તાલિબાન સરકારનાં સંરક્ષણ મંત્રાલયે બે દેશ વચ્ચે ખેંચાયેલી ડુરંડ લાઇનને કાલ્પનિક લેખાવી છે. અફઘાનિસ્તાનના પાકિતકા અને ખોસ્ત પ્રાંતમાં પાકના હવાઇ હુમલામાં 50 લોકોનાં મોતથી ભડકેલાં તાલિબાને પાક સેના સીમાચોકીઓ પર હુમલો કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd