નવી દિલ્હી, તા. 11 : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે
દક્ષિણી લેબેનોનમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા ઉપર ચિંતા વ્યક્ત
કરી છે. ઈઝરાયલ લેબેનોનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ સંયુક્ત
રાષ્ટ્ર શાંતિ સૈનિક ગોળીબારનો શિકાર બન્યો છે. 600 ભારતીય સૈનિક લેબેનોનમાં સંયુક્ત
રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો છે અને ઈઝરાયલ-લેબેનોન સરહદે 120 કિમી લાંબી બ્લૂ લાઈન
ઉપર તૈનાત છે. ક્ષેત્રમાં વધી રહેલા તણાવ અને
હુમલા વચ્ચે ભારત આ તમામ સૈનિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં
કહ્યું છે કે, બ્લૂ લાઈન ઉપર બગડતી સુરક્ષા
સ્થિતિને લઈને ચિંતા છે અને સ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સંયુક્ત
રાષ્ટ્ર પરિસરનું તમામે સન્માન કરવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા
સુનિશ્ચિત કરવા માટે ઉચિત પગલાં ભરવાં જોઈએ.
વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન સંયુક્ત રાષ્ટ્રના એ વિધાન બાદ આવ્યું હતું કે,
લેબેનોનમાં યુએનઆઈ એફઆઈએલના મુખ્યાલય અને આસપાસના સ્થળોએ ઈઝરાયલી દળો દ્વારા વારંવાર
હુમલા કરાયા હતા. આજે સવારે બે શાંતિસૈનિક ઘાયલ થયા હતા. ભારતીય સૈનિક પણ શાંતિ સૈનિકોનો
હિસ્સો છે, જેમાં આસામ રેજિમેન્ટના સૈનિક, એન્જિનીયર, એએમસી અને અન્ય સૈનિકનો સમાવેશ
થાય છે. ક્ષેત્રમાં તંગદિલી સર્જાઈ, તે અગાઉથી જ ભારતીય સેના સ્થિતિ પર નજર રાખી રહી
છે.