નવી દિલ્હી, તા. 10 : દેશની રાજધાનીમાં ગુરુવારે `ધીમા ઝેર' સમાન બે હજાર કરોડ રૂપિયાની કિંમતનું
વધુ 200 કિલો કોકેઇન પકડીને દિલ્હી પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી હતી. અત્યાર સુધીમાં
દિલ્હી પોલીસ સ્પેશિયલ ટીમ 7600 કરોડનું કોકેઇન કબજે કરી ચૂકી છે. આજે રમેશનગર વિસ્તારમાં
દરોડો પડાયો હતો. ખાસ જાણવા જેવી હકીકત તો એ છે કે ચવાણા, ચેવડા જેવા નમકીનનાં પેકેટ્સમાં
આ નશીલા પદાર્થોને છૂપાવાયો હતો. આ મામલામાં અત્યાર સુધી ચાર શખ્સની ધરપકડ થઇ ચૂકી
છે, તો ડ્રગ્સકાંડનો સૂત્રધાર લંડન નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.દિલ્હીના
40 વર્ષીય તુષાર ગોયલ, 27 વર્ષના હિમાંશુ કુમાર, 23 વર્ષીય ઔરંગઝેબ સિદિકી તેમજ મુંબઇના
48 વર્ષીય ભરતકુમાર જૈનને પોલીસે પકડી લીધા છે. પોલીસને એવી જાણકારી મળી હતી કે આ સિંડિકેટ
દિલ્હી અને અન્ય મહાનગરોમાં કોન્સર્ટ, રેવ પાર્ટીમાં જંગી માત્રામાં ડ્રગ્સ વેચવાની
ફિરાકમાં હતા. એવું જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ ટોળકીના તાર દુબઇ સાથે જોડાયેલા છે.
સ્પેશિયલ સેલની તપાસમાં દુબઇના એક મોટા કારોબારીનું નામ સામે આવ્યું છે, જે કોકેઇનનો
મોટો સપ્લાયર પણ હોવાનું કહેવાય છે.