નવી દિલ્હી, તા. 4 : જમ્મુ અને કાશ્મીર તેમજ હરિયાણાની આગામી
વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય દાવપેચ તીવ્ર બની ગયા છે અને અલગ અલગ સોગઠી ખેલાઇ રહી
છે. 18 સપ્ટેમ્બરથી જ્યાં ચૂંટણીની શરૂઆત થઇ રહી છે તે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને
નેશનલ કોન્ફરન્સ વચ્ચે યુતિ બાદ રાહુલ ગાંધીએ આજે જમ્મુના રામબન અને દક્ષિણ કાશ્મીરના
દૂરુ મતવિસ્તારમાં ફારુક અબ્દુલ્લાની ઉપસ્થિતિમાં સભાઓ સંબોધી હતી. બીજીતરફ ઓલિમ્પિકમાં
કમનસીબે ચંદ્રક ચૂકી જનારી સ્ટાર કુસ્તીબાજ વીનેશ ફોગાટે અને બજરંગ પુનિયાએ રાહુલ સાથે
મુલાકાત કરી હતી અને વીનેશ તથા બજરંગ કોંગ્રેસમાં
જોડાવા જઇ રહી છે. તે હરિયાણા ચૂંટણીમાં લડશે તે લગભગ નિશ્ચિત મનાય છે. જ્યારે પૂર્વ
જેલર સુનીલ સાંગવાન ભાજપમાં સામેલ થયા છે. તેઓ ચરખી દાદરી બેઠક પરથી લડે તેવી શક્યતા
છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ છ સપ્ટેમ્બરે જમ્મુમાં સભાઓ સંબોધશે. દરમ્યાન જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના રંગને
વધુ રસપ્રદ બનાવતા ઘટનાક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા
(અઠાવલે)ના પ્રમુખ રામદાસ અઠાવલેએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 16-17 બેઠક પર ઉમેદવાર
ઉતારવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, બાકીની બચતી બેઠકો પર ભાજપને સમર્થન આપશે.
અઠાવલે આ પહેલાં હરિયાણાની 10થી 12 બેઠક પર ઉમેદવાર ઉભાડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 370મી કલબ હટયા બાદ પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ
રહી છે, જેમાં 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના મતદાન થવાનું છે. જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં
પ્રચારની વાત કરીએ તો ભાજપ અન્ય પક્ષો કરતાં આગળ છે. ભાજપના ઉમેદવારો હેલિકોપ્ટરનો
ઉપયોગ કરી દૂરના અને દુર્ગમ કહી શકાય તેવા રામબન, ડોડા અને કિશ્તવાડના ગામોમાં મતદારો
સુધી પહોંચ્યા છે. જ્યારે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના ઉમેદવારો પગપાળા કે વાહનના
આધારે હોવાથી હજુ દુર્ગમ વિસ્તારો સુધી પહોંચી શક્યા નથી. હરિયાણામાં સત્તાધારી ભાજપ
ફરી જનાદેશ મેળવવાના પ્રયાસમાં છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન રચવા
તૈયાર થતા હોવાથી રાજકીય સમીકરણો બદલાઇ શકે છે. બંને વચ્ચે બેઠકોની વહેચણીની ચર્ચા
માટે બેઠકોના દોર શરૂ થયા છે અને કોંગ્રેસે આ માટે એક સમિતિની પણ રચના કરી છે. બીજીતરફ
ભાજપે હરિયાણા ચૂંટણી જંગમાં 67 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી નાયબસિંહ
સૈની લાડવાથી ચૂંટણી લડશે. આ યાદીમાં સાથી પક્ષ જેજેપીના ત્રણ ઉમેદવારને પણ સ્થાન મળ્યું
છે.