• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં નકલી નોટના થેલા સાથે શખ્સ દબોચાયા

ગાંધીધામ, તા. 11 : શહેરના રેલવે મથક સામેથી આજે ડી.આર.આઇ. પટણાએ સ્વીફ્ટ કારમાંથી નકલી નોટ ભરેલા થેલા સાથે શખ્સોને ઝડપી પાડયા હતા ત્યારે અહીં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. ટ્રાફિકજામ થતાં પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.પટણા ડી.આર.આઇ.એ સ્થાનિક ડી.આર.આઇ.ને સાથે રાખીને આજે અહીં કાર્યવાહી કરી હતી. નકલી નોટના થેલા સાથે સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોને ઝડપી લેવા સકંજો કસાયો હતો પરંતુ તે શખ્સોને ગંધ આવી જતાં સ્વીફટ કાર હંકારી દીધી હતી. ડી.આર.આઇ.એ તેનો પીછો કરી કારના કાચ તોડી નાખ્યા હતા અને અંદરથી બે શખ્સને પકડી પાડી પાડી નકલી નોટ ભરેલા થેલા જપ્ત કરી સ્થાનિક ડી.આર.આઇ.ની કચેરીએ લઇ જવાયા હતા. દરમ્યાન, ટ્રાફિકજામ થતાં પોલીસે દોડી આવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન અંજાર અને ભુજ બાજુની ટોળકી એક કા ડબલ કરી લોકોને લાલચ આપી તેમની પાસેથી પૈસા ખંખેરી લેતી હોય છે તે પૈકીની કોઇ ટોળકી તો નથી ને તે સહિતના પ્રશ્નો પણ બહાર આવ્યા હતા. પૂર્વ કચ્છ તેમાંય ખાસ કરીને ગાંધીધામ સંકુલ બિહારના ક્રાઇમની સમોવડું બન્યું છે. અહીં તમામ પ્રકારની બદીઓ ઘર કરી ગઇ છે, ત્યારે બિહારના  પટણાની ડી.આર.આઇ. અહીં આવી પહોંચી હતી. પટણા ખાતે ડી.આર.આઇ.એ નકલી નોટ સાથે અમુક શખ્સોને દબોચ્યા હતા જેની કડી ગાંધીધામ નીકળી હતી. અહીંના કાર્ગો વિસ્તારમાંથી બે શખ્સને દબોચાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ શખ્સો અહીં લાંબા સમયથી સક્રિય હોવાનું અને આ રેકેટ ચલાવતા હોવાનું પણ સપાટી ઉપર આવ્યું હતું. અગાઉ પૂર્વ કચ્છ એસ.ઓ.જી. નકલી નોટ પકડતી હતી ત્યારે બિહાર કે નેપાળની કડી બહાર આવતી હતી પરંતુ આ વખતે અહીંથી ત્યાં નોટ ગઇ હોવાની પણ એક વાત બહાર આવી હતી. અગાઉ અહીં એસ.ઓ.જી.એ અનેક વખત નકલી નોટો સાથે અનેક ટોળકીઓને ઝડપી પાડી હતી. નાગલપરમાં નકલી નોટ બનાવવાની ફેક્ટરી, ગાંધીધામમાં ફોટો સ્ટુડિયોમાં નકલી નોટ છાપવાનું ષડયંત્ર વગેરેનો પોલીસે પર્દાફાશ કર્યો છે પરંતુ લાંબા સમયથી આ અંગે કોઇ કાર્યવાહી થઇ નથી. તેવામાં પટણા ડી.આર.આઇ.એ અહીં આવી સ્થાનિક ડી.આર.આઇ.ની ટીમને સાથે રાખીને બે શખ્સને ઝડપી લેતાં ભારે ચકચાર પ્રસરી હતી. ગાંધીધામ અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બી રોલ ભરાવવા સહિતની કામગીરીની માંગ આ વેળાએ ઊઠી હતી. 

Panchang

dd