• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

રાપરમાં દુકાનમાં 1.12 લાખની ચોરી કરનારો ઝડપાયો

ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છમાં ફરીથી તસ્કરીએ તરખાટ મચાવ્યો છે. રાપરના નંદાસર રોડ ઉપર આવેલી તેલની જથ્થાબંધની દુકાનમાં ધોળા દિવસે ઘૂસી શખ્સે કાઉન્ટરના લોક તોડી તેમાંથી    રૂા. 1,12,000ની ચોરી કરનારા આરોપી ભાવિનભાઈ ભરતભાઈ સંઘારને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ સહિત કુલ રૂા. 1,31,170નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી બાજુ ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી જુદી-જુદી ત્રણ દુકાનમાં ત્રણેક નિશાચરે હાથ ફેરો કર્યો હતો. રાપરનાં એકતાનગરમાં રહેતા જયેન્દ્ર ધારશી મોરબિયા (જૈન) નામના આધેડ રાપર નંદાસર રોડ પર આવેલ ગુરવે શોપિંગ સેન્ટરમાં અમૃત ટ્રેડર્સ નામથી તેલની જથ્થાબંધની દુકાન ચલાવે છે. ગઇકાલે સવારે આ વેપારી દુકાને હતા અને બાદમાં ઊઘરાણીના પૈસા એકઠા કર્યા હતા. સાંજના અરસામાં ઊઘરાણીના પૈસા લેવાના હોવાથી ફરિયાદી રાપરની બજારમાં ગયા હતા અને દુકાનમાં કામ કરતા માણસ એવા કિરીટસિંહ મેરૂભા જાડેજાને દુકાનનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કાઉન્ટરને લોક મારી બજારમાં ગયા બાદ વેપારી પરત આવતાં કાઉન્ટર ખુલ્લું જણાયું હતું, જેથી શંકા જતાં આખું    ખાનું તપાસ કરતા વેપારના  તથા ઊઘરાણીના રોકડ રૂા. 1,12,000 જણાયા નહોતા, કામદાર માણસને પૂછતાં પોતે પેશાબ કરવા ગયો હતો, ત્યારે કોઇ ઘૂસી આવ્યું હશે, તેવી શંકા તેણે વ્યક્ત કરી હતી. જેથી સામે મોગલ કટેલેરીના સંચાલક રમેશ આહીર તે ચોરી અંગે વાત કરી હતી. આ દુકાનદારે પોતાની દુકાન બહાર લાગેલા સીસીટીવીના ફૂટેજ તપાસ કરતાં કરિયાણાની દુકાનમાં કોઇ નહોતું, ત્યારે એક શખ્સ અંદર ઘૂસ્યો હતો અને કાઉન્ટરનું લોક તોડી ચોરી કરી રૂપિયા લઇ જતો જણાયો હતો. આ શખ્સ કોણ છે તેની તેમણે શોધખોળ કરતાં ક્યાંય પતો ન મળતાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે પૂર્વ બાતમી અને માનવીય સંદર્ભોના આધારે ચોરી કરનારા આરોપી ભાવિનભાઈ ભરતભાઈ સંઘારને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડ સહિત કુલ રૂા. 1,31,170નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ એક ચોરીનો બનાવ ગાંધીધામની મુખ્ય બજારમાં બન્યો હતો. અહીં જૈન દેરાસર પાછળ આવેલી વાસવાની એક દુકાનમાં નિશાચરો ઘૂસ્યા હતા. ત્રણ શખ્સે શટર ઊંચું કરી અંદર ગયેલા એક શખ્સે પરચૂરણ રકમની ચોરી કરી હતી તેમજ આ દુકાન પાછળ આવેલી અન્ય એક દુકાનમાં પણ આ શખ્સોએ હાથ ફેરો કર્યો હતો. આટલાથી  સંતોષ ન હોય તેમ જૂના એ-ડિવઝન પોલીસ સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલી એક દુકાનમાં પણ આ શખ્સોએ હાથ માર્યો હતો. રાત્રે બિન્ધાસ્ત લટાર મારતા આ ત્રણ શખ્સના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ચોરીના આ બનાવ અંગે પોલીસનો ચોપડો કોરો રહ્યો હતો. 

Panchang

dd