• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

અમેરિકાની વેપારસંધિમાં ભારતને રાહત ને વિઝામાં ઝટકો

ફેક્ટશીટમાં રાતોરાત સુધારો : 500 અબજ ડોલરની ખરીદી માટે ભારતની  પ્રતિબદ્ધતાને બદલે હવે ઇરાદો શબ્દ : નવીદિલ્હી, તા.11 : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી ઉપર સહમતી બન્યા બાદ અમેરિકાએ મંગળવારે એક ફેક્ટ શીટ એટલે કે તથ્યપત્ર જારી કરીને સમજૂતીની પ્રમુખ શરતો જાહેર કરેલી. જો કે હવે તેના એક જ દિવસમાં વ્હાઇટ હાઉસે પલટી મારી લીધી છે. જેમાં મુખ્ય શરતોમાં ચૂપચાપ કેટલાક બદલાવો કરી નાખવામાં આવ્યા છે. જો કે આમાં ખાસ વાત એ પણ છે કે, શરતોમાં લખવામાં આવેલી કેટલીક બાબતો ભારતનાં હિતમાં છે.  ખાસ કરીને ભારત માટે દાળ, તેલની 500  અબજ ડોલરની ખરીદી ફરજિયાત નહીં રહે. ફેક્ટશીટ જાહેર કરાયાનાં એક દિવસ પછી અમેરિકાએ તેનાં કેટલાંક બિંદુઓમાં બદલાવ કર્યો છે. આવી જ રીતે શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્ત્વનો હિસ્સો અમેરિકાથી 500 અબજ ડોલરનાં ઉત્પાદનો ખરીદવા માટે  ભારતની પ્રતિબદ્ધતાને હવે બદલીને ભારતનો ઈરાદો કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વ્હાઇટ હાઉસે અન્ય એક મહત્ત્વનો બદલાવ દાળનો ઉલ્લેખ હટાવીને કર્યો છે. જારી કરવામાં આવેલા સુધારેલી શરતોમાં ભારત જેનાં ઉપર ટેરિફ સમાપ્ત અથવા તો શૂન્ય કરશે તેમાંથી દાળનો ઉલ્લેખ હટાવી નાખવામાં આવ્યો છે. આવી જ રીતે ફેક્ટ શીટની ઉત્પાદન શ્રેણીમાંથી કૃષિ શબ્દ પણ હટાવી લેવામાં આવ્યો છે. અન્ય એક મોટા ફેરફારમાં ડિજીટલ સર્વિસ ટેક્સનો સમાવેશ થાય છે. અગાઉ જાહેર થયેલી ફેક્ટશીટમાં લખવામાં આવેલું કે, ભારત પોતાનાં ડિજીટલ સર્વિસ ટેક્સને હટાવી લેશે અને ડિજીટલ ટ્રેડમાં ભેદભાવવાળી પ્રક્રિયા અને અન્ય અવરોધો દૂર કર તેવાં દ્વિપક્ષીય ડિજીટલ ટ્રેડ નિયમો ઉપર વાતચીત માટે પ્રતિબદ્ધ છે. જો કે નવી ફેક્ટશીટમાં લખવામાં નથી આવ્યું કે, ભારત પોતાનો ડિજીટલ સર્વિસ ટેક્સ હટાવશે. આમાં ભારતે મજબૂત દ્વિપક્ષીય ડિજીટલ ટ્રેડ માટે નિયમો ઉપર ચર્ચા-વિચારણા કરવાનું વચન આપ્યું હોવાનું લખવામાં આવ્યું છે. - એચ-1બી વિઝા બંધ કરશે અમેરિકા : સાંસદે રજૂ કર્યું બિલ : જો ખરડો પસાર થાય તો ભારતીય વ્યાવસાયિકોને ફટકો : વોશિંગ્ટન, તા. 11 : અમેરિકાના એક સાંસદે એચ-1બી વિઝા કાર્યક્રમને સમાપ્ત કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. તેમનો દાવો છે કે, કંપનીઓએ વારંવાર આ સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે અને યુએસમાં સસ્તા વિદેશી કામદારોની આયાત કરી છે. ફ્લોરિડાના રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટયૂબે એક એક્ટ રજૂ કર્યો હતો, જે એચ-1બી વિઝા કાર્યક્રમને નાબૂદ કરવા માટે ઇમિગ્રેશન અને નાગરિકતા કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ગ્રેગ સ્ટયૂબે એક નિવેદનમાં કહ્યું હતું કે, `અમેરિકન નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ કરતાં વિદેશી કામદારોને પ્રાથમિકતા આપવી આપણાં મૂલ્યો અને રાષ્ટ્રીય હિતોને નબળી પાડે છે.' અમેરિકી સાંસદે કહ્યું હતું કે, `આપણા કામદારો અને યુવાનો એચ-1બી વિઝા દ્વારા વધુને વધુ વિસ્થાપિત અને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, જે આપણા  કાર્યબળના ભોગે કંપનીઓ અને વિદેશી સ્પર્ધકોને ફાયદો પહોંચાડે છે જ્યારે આપણે આપણાં બાળકોનાં સપનાઓને બિન-નાગરીકોને સોંપી રહ્યા છીએ ત્યારે આપણે તેમને ટકાવી શકતા નથી. એ નોંધનીય છે કે, ભારતીય વ્યવસાયિકોનો મોટો વર્ગ અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે એચ-1બી વિઝાનો ઉપયોગ કરે છે. તેથી આ વિઝાને દૂર કરવો એ ભારતીય વ્યવસાયિકો માટે એક મોટો ફટકો હશે. 

Panchang

dd