• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

બાંગલાદેશમાં વધુ એક હિન્દુની હત્યા

નવી દિલ્હી, તા. 10 : પાડોશી બાંગલાદેશમાં બે દિવસ બાદ 12 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાવાની છે, પરંતુ હિન્દુઓ સામેની હિંસામાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીના માત્ર 48 કલાક પહેલાં મૈમનાસિંહ જિલ્લાના ત્રિશાલ તાલુકામાં વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ 62 વર્ષીય સુશેન ચંદ્ર સરકાર તરીકે થઈ હતી, જેઓ ત્રિશાલમાં એમએસ ભાઈ-ભાઈ એન્ટરપ્રાઇઝ નામનો વ્યવસાય ચલાવતા હતા. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, ગુનેગારોએ ઘણા લાખ બાંગલાદેશી ટકા પણ લૂંટી લીધા હતા. બાંગલાદેશી મીડિયા આઈટીવીએ પીડિતના પરિવાર અને પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, બદમાશોએ ઉપજિલ્લાના બોગર બજાર ચોકડી પર સરકારની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી અને દુકાનનું શટર બંધ કર્યા પછી તેને અંદર છોડી દીધો હતો. બાદમાં પરિવારના સભ્યોએ તેને લોહીથી લથપથ હાલતમાં જોયો અને તેને મૈમનાસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પુત્ર સુજન સરકારે કહ્યું, અમારી કોઈ સાથે કોઈ દુશ્મની નહોતી. મારા પિતાની નિર્દયતાથી હત્યા કર્યા પછી, શખ્સોને દુકાનમાંથી લાખો ટકા લૂંટી લીધા હતા. અમારો ચોખાનો ધંધો ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અમે આ હત્યારાઓને કડક સજાની માંગ કરીએ છીએ. પોલીસે જણાવ્યું હતું કે, બદમાશોએ રાત્રે લગભગ 11 વાગ્યે તેમના (સુશેન ચંદ્ર સરકાર) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેમની હત્યા કરી દીધી હતી અને પછી દુકાનનું શટર બંધ કરી દીધું. પરિવારના સભ્યોએ શોધખોળ દરમિયાન શટર ખોલ્યું અને તેમને લોહીના ખાબોચિયામાં પડેલા મળી આવ્યા હતા. બાદમાં માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી હિન્દુઓ સહિત લઘુમતીઓ સામે હિંસા વધી છે, જેનાથી વિશ્વભરના લોકો અને ઘણા માનવાધિકાર સંગઠનો ગુસ્સે છે. 

Panchang

dd