• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

તમે દેશને વેચી નાખ્યો : રાહુલના તીવ્ર પ્રહાર

નવી દિલ્હી, તા. 11 : લોકસભામાં આજે સામાન્ય કેન્દ્રીય બજેટ-2026ની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ આક્રમક તેવર બતાવ્યા હતાં અને આજનાં સમય માટે આ બજેટને અપૂરતું લેખાવ્યું હતું. આ સાથે જ અમેરિકા સાથે વેપાર સંધિથી લઈને વધતાં અમેરિકાનાં વર્ચસ્વ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર  તીવ્ર પ્રહારો કર્યા હતા. હુમલાનો મારો ચલાવી દીધો હતો. જેમાં રાહુલ ગાંધીએ એપસ્ટીન ફાઈલ્સથી લઈને અમેરિકાની દાદાગીરી મુદ્દે સરકારને ઘેરી હતી અને સરકારે દેશને વેંચી દીધાનો ધગધગતો આરોપ લગાવ્યો હતો. અમેરિકા સાથેની વેપાર સમજૂતી મુદ્દે સરકાર ઉપર આક્રમણ ચલાવતા રાહુલે કહ્યું હતું કે, તમે દેશને વેંચી નાખ્યો છે. શું તમને ભારત વેંચી નાખતા શરમ નથી આવતી? તમે આપણી મા, ભારત માતાને વેંચી છે. મને ખ્યાલ છે કે, સાધારણ સંજોગોમાં વડાપ્રધાન ભારતને વેંચે નહી પણ તમને ખબર છે તેમણે દેશને શા માટે વેંચ્યો? કારણ કે એ લોકો તેમનું ગળું ઘોંટી રહ્યાં છે. તેમણે ગરદન પકડી રાખી છે. આપણે વડાપ્રધાનની આંખમાં ભય જોઈ શકીએ છીએ. આ વાતો એપસ્ટીનની ફાઈલોમાં હજી પણ બંધ છે. રાહુલે પોતાનાં સંબોધનમાં આગળ કહ્યું હતું કે, તમે એક ટ્રેડ ડીલ કરી છે જે ભારતને 21મી સદીમાં બદલવાની છે. જે ચીજ આપણને સુપરપાવર બનાવવાની છે. મોદી સરકારે આપણાં ડેટા સાથે શું કર્યું? આપણે ડિજીટલ ટ્રેડનાં નિયમો ઉપરથી નિયંત્રણ છોડી રહ્યાં છીએ. આવી જ રીતે ડેટાનાં લોકલાઈઝેશનની પણ કોઈ જરૂર નથી અને આ સીવાય અમેરિકામાં મુક્ત રીતે આપણો ડેટા વહેશે. ડિજીટલ ટેક્સ ઉપર પણ મર્યાદા. કોઈને સોર્સ કોડ જણાવવાની આવશ્યકતા પણ નહીં. નાણા મંત્રી હંસી રહ્યાં છે અને મોટી ટેક કંપનીઓને 20 વર્ષ માટે ફ્રી ટેક્સ હોલીડે અપાય છે. ડેટા સાથે પણ આવું કરી નાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે, જો ઈન્ડિયા ગઠબંધન ટ્રેડ ડીલ માટે અમેરિકા સાથે વાટાઘાત કરતું હોત તો અમે ટ્રમ્પને કહ્યું  હોત તે આ સમીકરણમાં સૌથી મહત્વની ચીજ ભારતીય ડેટા છે. એટલે વાટાઘાટમાં અને સંધિમાં સમાન શરતો રાખવી પડશે. રાહુલે આગળ કહ્યું કે, આપણાં શક્તિશાળી કાપડ ઉદ્યોગ ઉપર 18 ટકા ટેરિફ લાગી રહ્યો છે. જેની સામે બાંગ્લાદેશને શૂન્ય ટેરિફ લાગશે. એટલે કે, આપણો કપડાં ઉદ્યોગ તો ગયો. આવી જ રીતે અમેરિકા નિર્ણય કરે છે કે આપણે કોની પાસેથી ઓઈલ ખરીદવું. આપણાં કિસાનોને કચડીને અમેરિકાનાં કૃષિ ઉદ્યોગ માટે ભારતનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા. એટલે કે, આપણે એક આંધીનો સામનો કરવાનો છે. અમેરિકાએ ઊર્જા અને નાણાને પોતાનાં શત્ર બનાવી લીધા છે. આવી ટ્રેડ ડીલનાં વખાણ કેવી રીતે તમે કરી શકો છો? શરમ નથી આવતી?  

Panchang

dd