ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલીસે વધુ એક વખત
સાત આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. પૂર્વ કચ્છના સાત શખ્સને ઝડપી પાડી તેમને જુદી-જુદી
જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છમાં દારૂની હેરફેર, સંગ્રહ કરતા અને વારંવાર ગુના આચરતા શખ્સો સામે
કડક કાર્યવાહી કરવાના પોલીસ અધીક્ષકના આદેશ બાદ એલ.સી.બી.એ કમર કસી હતી. ગળપાદરમાં
રહેનાર સચિન ઉર્ફે સતલો વિનોદ ચૌહાણ સામે અગાઉ દારૂ, ચોરીના જુદા-જુદા
પોલીસ મથકોએ સાત ગુના નોંધાયેલા છે. ગળપાદરના નિખિલ ઉર્ફે નિકલો બિજલ વિરડા સામે ગુનો
નોંધાયેલો છે. ગળપાદરના નરેન્દ્રગિરિ ઉર્ફે પપ્પુ પ્રેમગિરિ ગોસ્વામી સામે દારૂ સંબંધી
ચાર ગુના પોલીસ ચોપડે ચડેલા છે. પલાંસવાના રમેશ ઉર્ફે જીવણ હીરા ભરવાડ સામે સામખિયાળી,
એ-ડિવિઝન, આડેસર પોલીસ મથકે દારૂના ગુના દર્જ થયેલા
છે. ગળપાદર સહારાનગરના વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણ પટેલ સામે દારૂ સંબંધી ગુનો નોંધાયેલો
છે. બાપુનગર-ભચાઉના રણજિતસિંહ ભારાજી સોઢા સામે એ-ડિવિઝન, રાપર,
ભચાઉ, લાકડિયા, બી-ડિવિઝનમાં
દારૂ સંબંધી છ ગુના દર્જ થયા છે તેમજ આયોધ્યાપુરી-રાપરના નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા
સામે રાપરમાં દારૂ સંબંધી બે ગુના ચડેલા છે. આ સાતેય શખ્સના પાસાના કાગળિયા તૈયાર કરી
જિલ્લા કલેક્ટર-ભુજને દરખાસ્ત મૂકવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાએ આ સાતેય શખ્સની પાસાની
દરખાસ્ત મંજૂર કરી હતી. દરમ્યાન પોલીસે તમામને પકડી પાડયા હતા અને સચિન ચૌહાણ તથા રમેશ
ઉર્ફે જીવણને મધ્યસ્થ જેલ સુરત, નરેન્દ્રગિરિ અને વિપુલને મધ્યસ્થ
જેલ વડોદરા તથા નિખિલ, રણજિતસિંહ અને નરેન્દ્રસિંહને મધ્યસ્થ
જેલ અમદાવાદ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. એકીસાથે સાત શખ્સ સામે પાસાનું શત્ર ઉગામાતાં
આવા તત્ત્વોમાં સોપો પડી ગયો હતો.