• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ગુજરાતમાં ડિજિટલ જનગણનાની તૈયારી

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં આવનારી વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરીને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. મનપા કમિશનરથી લઈને મામલતદાર સુધીની તંત્ર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિગ અને હાઉસિંગ સેન્સસ 20 એપ્રિલ 2026થી 19 મે 2026 દરમિયાન યોજાશે. ત્યારબાદ મુખ્ય વસતી ગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં મોટા પ્રમાણમાં શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈને 33 મુદ્દાઓ આધારિત માહિતી એકત્રિત કરશે. તેમાં મકાનનો પ્રકાર, રહેણાંક ઉપયોગ, પીવાનું પાણી, શૌચાલય, વીજળી, ટીવી સહિતની મૂળભૂત સુવિધાઓની વિગતો સામેલ રહેશે. આ વખતે સમગ્ર માહિતી ખાસ તૈયાર કરાયેલી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન નોંધાશે. સરકારની યોજના મુજબ દર 700થી 800 લોકો માટે એક ગણતરીકાર નિમવામાં આવશે. ડિસેમ્બર 2025થી તાલીમ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ રાષ્ટ્રીય સ્તરના ટ્રેનરોને તાલીમ આપવામાં આવી છે હવે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અધિકારીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. મોટા શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા કમિશનરને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નાના શહેરોમાં ડેપ્યુટી કમિશનર અને વોર્ડ સ્તરે અલગ અધિકારીઓ કામગીરી સંભાળશે. જિલ્લા સ્તરે કલેક્ટર પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે અને તાલુકા સ્તરે મામલતદાર ચાર્જ ઓફિસર તરીકે ફરજ બજાવશે. હાઉસ લિસ્ટિગ પૂર્ણ થયા બાદ 30 દિવસમાં એકત્રિત થયેલા ડેટાનું સુપરવાઈઝર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય વસતી ગણતરી માટે ફરીથી તાલીમ આપવામાં આવશે. આ વખતે વસતી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રહેશે અને કાગળનો ઉપયોગ કરવામાં આવશે નહીં. દરરોજ એકત્રિત માહિતી કેન્દ્રિય ડેટા સેન્ટર સાથે સિંક થશે. જેથી પારદર્શિતા અને સુરક્ષા બંને સુનિશ્ચિત થશે. 

Panchang

dd