• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

રૂપાણીનું કદ વધ્યું; દિલ્હીમાં એન્ટ્રી

અમદાવાદ, તા.26 (અમારા પ્રતિનિધિ તરફથી) : પંજાબ બાદ હવે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું  દિલ્હીમાં કદ વધારી દીધું છે. આમ આદમી પાર્ટીના ગઢ દિલ્હીમાં ભાજપે રૂપાણીને ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી બનાવ્યા હોવાનું જાણવા મળે છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉ પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવીને મોટી જવાબદારી સોંપી છે. સૂત્રોનું માનીએ તો, વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે. રૂપાણીને આમ આદમી પાર્ટીના ગઢમાં એવા સમયે આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં 10,000 કરોડના ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીનું ગુજરાત એકમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં થયેલા 10,000 કરોડ રૂપિયાના જમીન અધિગ્રહણની તપાસની માંગ કરી રહ્યું છે. પાર્ટીએ સુરત, અમદાવાદ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને જમીન અધિગ્રહણની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઇટી તપાસની માંગ કરી છે. જ્યાં આપ ગુજરાતમાં રૂપાણી વિરુદ્ધ હોબાળો મચાવી રહી છે તો બીજી તરફ રૂપાણીની દિલ્હીમાં એન્ટ્રી થઈ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા વિશેષ આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર તરીકે નિયુક્ત કર્યા છે. એક મહિનાના અભિયાનમાં પાર્ટી પીએમ મોદીની નવ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરશે. પ્રચાર માધ્યમોના હેવાલ અનુસાર, રૂપાણીની બેઠકોમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલનો સમાવેશ થાય છે. નવી દિલ્હીથી હર્ષવર્ધન અને હંસ રાજ હંસ અને મીનાક્ષી લેખી હાલમાં આ લોકસભા બેઠકો પરથી સાંસદ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang