• ગુરુવાર, 02 મે, 2024

ભાજપ સામે હવે ક્ષત્રિયોના `કેસરિયા'

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને ઉમેદવારી રદ્દ કરવા ક્ષત્રિયોએ માંગ કરી હતી, પરંતુ ભાજપ દ્વારા ઉમેદવારી રદ્દ કરવામાં આવતાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-બે શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19 એપ્રિલના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. 26 લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ જાહેર કરી અને વિરુદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવશે. ક્ષત્રિય આગેવાન કરણાસિંહ ચાવડાએ સંદર્ભે જણાવ્યું હતું કે, 14 તારીખે સંમેલનમમાં આખરીનામું આપ્યું હતું, પરંતુ તેનાથી કોઈ ફરક પડયો નથી, જેથી આજથી અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું, અમે બૂથ સુધી જઈશું, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, જામનગર, આણંદ અને પાટણમાં ક્ષત્રિય સમાજના વધુ મતો હોવાથી ત્યાં વધુ નુકસાન થશે. કુલ આઠ બેઠક પર નુકસાન કરવાની અમારી તૈયારી છે. અમે હવે કોઈ મોટું સંમેલન કરવાના નથી, જીએમડીસીમાં પણ કોઈ સંમેલન થવાનું નથી. હવે જિલ્લા સ્તરે કાર્યક્રમો થશે. તેમણે કહ્યું કે, આજની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર સાતમી મે સુધી ગુજરાતના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહ્વાન કરવું, ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો, મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસના ક્રમિક પ્રતીક ઉપવાસ ઉપર બેસવું, દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવાનો સમાવેશ થાય છે. વધુમાં ગુજરાતના પાંચ ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં આવશે. દરેક ગામડા/શહેરમાં બૂથ આયોજન કરીને ભાજપ વિરુદ્ધમાં વધારે મતદાન કરાવવામાં આવશે. સાતમી મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઊર્જા અને ઉત્સાહ ચેતનમય રહે માટે ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવા તેમજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતના રાજ્યો સુધી આંદોલન પહોંચાડવામાં આવશે. 300 મહિલાની ફોર્મ ભરવાની વાત પણ તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે, જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે, જેમને હરાવવામાં મતો તૂટી જશે, અમે મહિલાઓના ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યું, અમે ભાજપનો વિરોધ કરીશું, કયા પક્ષને મત આપવો તેની કોઈ સ્પષ્ટતા કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે, સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ, લોકોને હવે અમારા સુધી લાવવાના છે, હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. આજથી ભાજપનો બહિષ્કાર શરૂ થશે, ભાજપને કાંટાની ટક્કર આપીશું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang