• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

તીર્થધામ નારાયણ સરોવરમાં 1.17 કરોડનાં ખર્ચે નિર્માણ થનારા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત

દયાપર (તા. લખપત), તા. 25 : પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર ખાતે રૂા. 1.17 કરોડનાં ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું આજે અગ્રણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું કે, લખપત તાલુકામાં પહેલાં અસુવિધાઓ હતી, સ્થળાંતર થતું, હવે વિકાસ થતાં સ્થળાંતર અટક્યું છે. અત્યાધુનિક બસ સ્ટેશન બનવાથી યાત્રિકોની મુસાફરી સુવિધાસભર બનશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નર્મદા ડેમની કેનાલ પણ જલ્દી આવશે તેવી ધરપત આપતાં કહ્યું હતું કે, કોટેશ્વર ખાતે બંને સમાજને સાથે રાખી માછીમારી માટે હવે અલગ જેટી બનાવવાનું કામ મંજૂર થઇ ગયું છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ જણાવ્યું કે, પિતૃનાં નામે વૃક્ષારોપણ કરવા પણ લોકોને જાગૃત કરાય, મનરેગા હેઠળ ગાંડા બાવળિયા દૂર કરાય, નારાયણ સરોવર તપસ્થલી છે. બ્રહ્મલીન મધુસૂદનલાલજી મહારાજને યાદ કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અને ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, નારાયણ સરોવર સુધી રેલવે લાઇન આવશે. આખા કચ્છને ફરતી રેલવે લાઇન ગોઠવાય તે દિવસો દૂર નથી. વિભાગીય નિયામક વાય. કે. પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે, આ નવીન બાંધકામમાં પાર્સલ રૂમ, વેઇટિંગ રૂમ, લેડીસ માટે વ્યવસ્થા વગેરે સહિત અદ્યતન કામ થશે. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મંદિરના મહંત દિનેશગિરિજી મહારાજએ વિગેરે તીર્થધામના વિકાસ અને ગરિમા પ્રત્યે જાગૃત રહી આગળ વધવા આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં લખપત તા. ભાજપ પ્રમુખ વેરસલજી મોડજી તુંવર, મહામંત્રી હરેશ દવે, વસંત પટેલ, વિપક્ષી નેતા જુગરાજસિંઘ સરદાર, તા.પં. સદસ્ય હેમેન્દ્ર જણસારી, જસુભા જાડેજા, વિક્રમસિંહ સોઢા, મા.મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, નારાયણ સરોવર સરપંચ સુરુભા જાડેજા, જવાહરલાલ રામદયા, ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલજી જાડેજા, જયેશદાન ગઢવી, વલીમામદ જત, નીતિન પટેલ, પુનિત ગોસ્વામી તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્તવિધિ તીર્થગોર અજિતભાઇ જોષીએ કરાવી હતી. સંચાલન દીપક રેલોને અને આભારવિધિ હઠુભા સોઢાએ કરી હતી. ભુજ-બાડમેરને નારાયણ સરોવર સુધી લંબાવવા વિવેકાનંદ વિકાસ સમિતિના પ્રમુખ સતુભા એસ. સોઢાએ એસ.ટી. નિયામકને પત્ર દ્વારા માંગ કરી હતી. જ્યારે ભુજ-ગુનેરી બસ બંધ છે, તેને પુન: ચાલુ કરવા જશુભા જાડેજાએ અધિકારી પાસે પત્ર દ્વારા માગણી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang