• સોમવાર, 23 નવેમ્બર, 2026

કચ્છમાં વધુ 11,014 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

ભુજ, તા. 22 : જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરાવવાની ઝુંબેશના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છ ગેરકાયદેસર દબાણો હટાવીને 11,014 ચોરસમીટર સરકારી જમીનને દબાણમુક્ત કરાવાઈ હતી. જમીનની અંદાજિત કિંમત રૂા. 1.06 કરોડથી વધુ થતી હોવાનું પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે. ઝુંબેશ હેઠળ દૂર કરાયેલા છ દબાણોમાં એક ધાર્મિક, ત્રણ વાણિજ્યિક તથા બે અન્ય પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે. દબાણમુક્ત કરાવવામાં આવેલી જમીનમાં 325 ચોરસમીટર ધાર્મિક, 10,369 ચોરસમીટર વાણિજ્યિક તથા 320 ચોરસમીટર અન્ય પ્રકારની જમીનનો સમાવેશ થાય છે.  તાલુકાવાર કામગીરીમાં રાપર તાલુકામાં સૌથી વધુ ત્રણ દબાણ દૂર કરવામાં આવ્યાં છે. ઉપરાંત અંજાર, મુંદરા અને ભુજ તાલુકામાં એક-એક દબાણ દૂર કરવામાં આવ્યું છે. અંજાર તાલુકામાં સૌથી વધુ 9,819 ચોરસમીટર, રાપર તાલુકામાં 800 ચોરસમીટર, મુંદરા તાલુકામાં 325 ચોરસમીટર અને ભુજ તાલુકામાં 70 ચોરસમીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. સમગ્ર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કામગીરી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનનું સંરક્ષણ કરવા, જાહેર મિલકતોનું જતન સુનિશ્ચિત કરવા અને ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd