અંધારાનો લાભ લઇ બે શખ્સ ઓઝલ થયા
ગાંધીધામ, તા. 18 : રાપરના
ફુલપરાવાંઢ (સણવા)માં આવેલી એક વાડીમાંથી પોલીસે રૂા. 4,03,200નો
અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડયો હતો, પણ બે શખ્સ નાસી
જવામાં સફળ રહ્યા હતા. આડેસરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન
એક સફેદ રંગની ક્રેટા ગાડી શંકાસ્પદ હાલતમાં તીવ્ર ગતિએ ફુલપરા ગામ બાજુ નીકળી હતી.
દરમ્યાન પોલીસની બે ટીમે આ ગાડીની તપાસ કરી હતી. તેવામાં આ ગાડી ફુલપરાવાંઢ (સણવા)
વાડીવિસ્તારમાં આવેલી રાજાભાઇ પટેલની વાડીમાં નજરે પડી હતી. પોલીસ ત્યાં પહોંચતાં કરમણ
દેવા કોળી (રહે. ફુલપરાવાંઢ (સણવા)) તથા અજાણ્યો શખ્સ પોલીસને જોઇને અંધારાનો લાભ લઇને
નાસી જવામાં સફળ રહ્યા હતા. આ વાડીમાં બે ક્રેટા કાર નંબર જીજે-12-ડીએ-6663 તથા
જીજે-04-ડીએન-9589વાળી
મળી આવી હતી, તેની આસપાસ દારૂની પેટીઓ મળી આવી હતી. બંને
વાહન તથા દારૂની પેટીઓ પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસે અહીંથી વ્હાઇટલેસ વોડકાના 180 મિ.લી.ના
576 ક્વાર્ટરિયા, ઓલ સિઝન્સના 1008 ક્વાર્ટરિયા, રોયલ
ચેલેન્જના 1104 ક્વાર્ટરિયા, 8 પી.એમ.
સ્પેશિયલના 144 તથા
કિંગ ફિશરના 96 ટીન
એમ કુલ રૂા. 4,03,200નો
દારૂ જપ્ત કર્યો હતો. હાથમાં ન આવેલા કરમણ કોળી તથા અજાણ્યા શખ્સને પકડી પાડવા આગળની
તપાસ પોલીસે હાથ ધરી છે.