કપિલ જોષી દ્વારા : નલિયા, તા. 15 : તાલુકાભરમાં દિન-પ્રતિદિન દારૂનું
દૂષણ એટલી હદે વકરી ગયું છે કે, સામાન્ય
પ્રજામાં પોલીસ અને સ્થાનિક તંત્રની ઢીલી નીતિ સામે ભારે રોષ ભભૂકી ઊઠયો છે. તાલુકામાં
જાણે દારૂબંધી જેવું કશું અસ્તિત્વમાં જ ન હોય તેમ દેશી તેમજ મોંઘાદાટ ઈંગ્લિશ દારૂનું
વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. અગાઉ મોડી સાંજે કે અંધારાના ઓથ હેઠળ લપાતા-છુપાતા
નશાખોરો હવે ધોળા દિવસે જાહેર માર્ગો પર લથડિયાં ખાતા નજરે પડી રહ્યા છે, જેના કારણે બહેન-દીકરીઓ અને પરિવારો માટે રસ્તા પરથી નીકળવું પણ મુશ્કેલ બન્યું
છે. - ઔદ્યોગિક વિકાસની આડમાં નશાનો
કાળો કારોબાર : અબડાસા તાલુકાના
ગરડા પંથકમાં આવેલી સિમેન્ટ કંપનીઓ, સોલાર પાર્ક તેમજ વિશાળ વિન્ડમિલ (પવનચક્કી) પ્રોજેક્ટ્સના કારણે પરપ્રાંતીય
મજૂરોની મોટી સંખ્યામાં આવનજાવન વધી છે. આ શ્રમિકોની માંગને પહોંચી વળવા અસામાજિક તત્ત્વોએ
દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ ધમધમતા કરી દીધા છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ધોરીમાર્ગની કેટલીક હોટેલ-ધાબાઓ પર પણ દારૂનાં ક્વાર્ટરિયા અને દેશી
દારૂની પોટલીઓ ખુલ્લેઆમ પિરસાતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હાઈ-વે પર
દોડતા ટ્રકચાલકો નશો કરીને સ્ટીયારિંગ સંભાળતા હોવાથી રાત્રિના સમયે વાહનો પલટી જવાં
કે ગંભીર અકસ્માતો સર્જાવાની દહેશત વધી ગઈ છે. - 50વાળી પોટલીએ યુવાધનને
ભરડામાં લીધું : શરૂઆતમાં
શોખ ખાતર વિદેશી દારૂ પીતો યુવાવર્ગ આર્થિક તંગી સર્જાતાં આખરે રૂા. 50વાળી કેમિકલયુક્ત દેશી દારૂની ઝેરી પોટલીઓના
રવાડે ચડી રહ્યો છે. આ લતના કારણે માત્ર છ-બાર મહિનામાં યુવાનોનાં લિવર-કિડની ફેઈલ
થઈ જવાં, શરીરમાં ધ્રુજારી આવી જવી અને શરીર સાવ અશક્ત
થઈ જવા જેવી ગંભીર બીમારીઓ ઘર કરી જાય છે. તાલુકાનાં અનેક ગામોમાં 25થી 35 વર્ષની નાની વયે યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
છે અને પરિવારો રઝળતા થયા છે. નશાની એવી ભયાનક ભૂખ જાગે છે કે, પૈસા ખૂટે ત્યારે નશાખોરો `દવા લેવી છે' કે `બસ ભાડું
ખૂટે છે' તેવાં
બહાના કાઢી ગામના ચોરા કે બજારોમાં દસ-દસ રૂપિયાની ઉઘરાણી કરતા પણ શરમાતા નથી. - `ફોજી' બ્રાન્ડથી માંડીને વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ
: તાલુકામાં ગ્રાહક માગે તે બ્રાન્ડનો દારૂ
હાજર કરી દેવામાં આવે છે. તેમાંય ખાસ કરીને `ફોજી' માર્કા
ધરાવતા દારૂના પ્રીમિયમ ભાવ વસૂલીને બારોબાર વેચાણ થાય છે. સ્થાનિક પોલીસ કે એલસીબી
ક્યારેક નામપૂરતી રેડ પાડી સંતોષ માને છે, પરંતુ ગણતરીના કલાકોમાં
આ અડ્ડાઓ ફરી ધમધમવા લાગે છે. માથાભારે બુટલેગરો હપ્તા પ્રથાના જોરે `તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરો' જેવી ખુલ્લી ધમકીઓ આપતા હોવાથી સામાન્ય નાગરિકો
ફરિયાદ કરવાની હિંમત પણ કરી શકતા નથી. - રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો : અબડાસા એ માત્ર સામાન્ય તાલુકો નથી, પરંતુ દરિયાઈ સીમા ધરાવતો અતિસંવેદનશીલ સરહદી
વિસ્તાર છે. ભૂતકાળમાં આ જ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ અને ચરસનાં બિનવારસી
પેકેટો મળી આવ્યાં છે. આવા વ્યૂહાત્મક વિસ્તારમાં જો દેશી-વિદેશી દારૂનું આટલું મોટું
નેટવર્ક બેરોકટોક ચાલતું હોય, તો આ બુટલેગરી અને દાણચોરીની આડમાં
દેશવિરોધી તત્ત્વો ઘૂસણખોરી કે દેશદ્રોહી પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે તેવી ગંભીર
દહેશત સુરક્ષા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. - નવરાત્રિ પૂર્વે કડક કાર્યવાહીની
લોકમાગણી.. : આગામી દિવસોમાં
આદ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ આવી રહી છે, ત્યારે ગામડે-ગામડે શાંતિ અને સલામતી જળવાઈ
રહે તે માટે જિલ્લા પોલીસવડા અને ઉચ્ચ કક્ષાએથી ખાસ ટાસ્ક ફોર્સ રચી અબડાસાના તમામ
અડ્ડાઓ કાયમી ધોરણે નેસ્તનાબૂદ કરવામાં આવે, હાઈ-વેની હોટેલો
પર બ્રેથ એનેલાઇઝર સાથે રાત-દિવસ સઘન ચાકિંગ થાય અને બુટલેગરો સામે `પાસા'
સહિતનાં આકરાં પગલાં ભરાય તેવી તાલુકાભરમાંથી પ્રબળ લોકલાગણી ઊઠી છે.
દરમ્યાન, દારૂના વેપલા અંગે અબડાસા વિભાગના પોલીસ અધીક્ષક મનીષા
દેસાઇનો સંપર્ક સાધતાં તેમણે કંઇ પણ કહેવાને બદલે હાલમાં તેઓ માતાના મઢ પદયાત્રાના
બંદોબસ્તમાં રોકાયેલાં હોવાનું જણાવીને જવાબ ટાળ્યો હતો. - જનતા જાણે, તંત્ર અજાણ ! : તાલુકા મથક નલિયા હોય કે કોઠારા ગામ, ગરડા પંથકનું વાયોર હોય કે મોથાળા અને સુથરી
ચોકડી-તાલુકાનો એવો કોઈ ખૂણો બાકી નથી, જ્યાં દારૂ સરળતાથી ન
મળતો હોય! નલિયા: લક્ઝરી સ્ટેન્ડ, એસ.ટી. બસ સ્ટેશન, રામદેવપીર ફળિયું, રાઈ ચોક, છાડુરા
નાકે અને તત્ત્વભાવના રોડ જેવા વિસ્તારોમાં છૂટથી દેશી-વિદેશી દારૂ મળી રહે છે. વાયોર-ગરડા પંથક : અલ્ટ્રાટેક સિમેન્ટ આસપાસ,
ટ્રાન્સપોર્ટ નગર, વાંગોઠ ચોકડી, મોટીબેર પાસે તેમજ સાંઘી સિમેન્ટ ચોકડી પર દેશી દારૂના હાટડા સક્રિય છે (જ્યાં
અગાઉ સ્થાનિકોએ જનતા રેડ પણ કરી હતી). કોઠારા-મોથાળા પંથક : કોઠારા નદીનો પટ,
સરકારી દવાખાના આસપાસનો વિસ્તાર અને સુથરી ચોકડી દારૂનાં કેન્દ્રો બની
ગયાં છે. આ તમામ સ્થાનોની જાણ સામાન્ય નાગરિકોને
હોય, ત્યારે સ્થાનિક પોલીસ કે તંત્ર તેનાથી અજાણ હોય તે વાત ગળે
ઊતરે તેવી નથી. - શરાબનું ભાવપત્રક : અબડાસા તાલુકામાં દેશી નાની થેલીના રૂા. 50, તો મોટી થેલીના રૂા. 150. જો કોઈને હોમ ડિલિવરી કે જે
સ્થળ ઉપર મંગાવ્યો હોય, તો રૂા. 50વાળી થેલીના રૂા. 100 અને રૂા. 150વાળી થેલીના રૂા. 200 લેવામાં આવી રહ્યા છે. અંગ્રેજી દારૂમાં રોયલ સ્ટેગના રૂા. 1500, ગ્રીન લેબલના રૂા. 1400, રોયલ ચેલેન્જર્સ રૂ. 1200, બિયરનાં ટીન રૂા. 550, જાંબુન રૂા. 450, બ્લેન્ડર રૂા. 2500, 100 પાઈપર રૂા. 3,500, સિગ્નેચર
રૂા. 2500, બ્લેક એન્ડ વ્હાઈટ રૂા. 3,500, બ્લેકડોગ રૂા. 4,000, ઈન્દ્રી રૂા. 5500, વ્હાઈટ એન્ડ બ્લૂ રૂ. 2500, બકાર્ડી લેમન જેવી બ્રાન્ડ્સ રૂા. 2,000ના ભાવમાં આસાનીથી લોકોને મળી
રહી છે.