ગાંધીધામ, તા. 15 : રાપરના ભીમાસર (ભુ.) ગામમાં
આડેસર પોલીસ મથકથી માત્ર થોડે જ દૂર આવેલા એક બંધ મકાન તથા દુકાનમાંથી રાજ્યના સ્ટેટ
મોનિટરિંગ સેલએ દરોડો પાડીને રૂા. 62,95,061ના અંગ્રેજી દારૂના મોટા જથ્થા
સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસમાં ખળભળાટ પ્રસરી ગયો હતો. સ્થાનિક પોલીસના
નાક નીચે ખુલ્લેઆમ દારૂ સંગ્રહવામાં આવ્યો હોવા છતાં તેની ગંધ સુદ્ધાં ન આવતાં તેની
કાર્યક્ષમતા અને સંડોવણી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક પોલીસ, ગુનાશોધક શાખા માટે મોટા તમાચા સમાન આ કાર્યવાહીને
ગણવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ ગત મોડી રાત્રે આડેસર બાજુ પેટ્રોલિંગમાં
હતી, દરમ્યાન ભીમાસર (ભુ.)માં રહેનાર રામદેવસિંહ દિલુભા વાઘેલા
તથા તેનો ભાઇ હરદેવસિંહ દિલુભા વાઘેલા નામના બુટલેગરોએ કૌટુંબિક ભાઇ પૃથ્વીરાજસિંહનું
પડતર મકાન તથા દુકાન ભાડે લઇ તેમાં દારૂ રાખી વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે
એસ.એમ.સી.એ કાર્યવાહી કરી હતી. પોલીસે આ બંનેનાં મકાનમાં છાપો મારતાં હરદેવસિંહ વાઘેલા
પાછળના દરવાજેથી નાસી ગયો હતો, જ્યારે રામદેવસિંહને પકડી પાડવામાં
આવ્યો હતો, તેને સાથે રાખી પોલીસ ભાડાના મકાન, દુકાને લઇ ગઇ હતી, જ્યાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો
હતો. બંધ મકાનમાંથી ગ્રીન લેબલ 180 મિ.લિ. ક્વાર્ટરિયાની 6 પેટી, એમ.ડી.
ક્લાસિકના ક્વાર્ટરિયાની 12 પેટી, વ્હાઇટલેસ વોડકા ક્વાર્ટરિયાની 6 પેટી,
રોયલ બ્લૂ ક્વાર્ટરિયાની ચાર પેટી, 8 પી.એમ.ની 750 મિ.લિ.ની
8 પેટી, ગ્રીન લેબલની 8 પેટી, રોયલ સ્ટેગની 1 પેટી,
રોયલ ચેલેન્જ બિયરની સાત પેટી, માસ્ટર બ્લેન્ડરની
53 પેટી તથા દુકાનમાંથી એમ.ડી.
ક્લાસિકના ક્વાર્ટરિયાની 10 પેટી, વ્હાઇટલેસ વોડકાના ક્વાર્ટરિયાની આઠ પેટી,
રોયલ બ્લૂના ક્વાર્ટરિયાની 341 પેટી, રોયલ
બ્લૂ મોલ્ટ વ્હીસ્કીના ક્વાર્ટરિયાની 4 પેટી, 8 પીએમના ક્વાર્ટરિયાની બે, ગ્રીન લેબલ 750 મિ.લિ.ની બે, રોયલ સ્ટેગની એક, રોયલ
સ્ટેગના ક્વાર્ટરિયાની 3 પેટી, રોયલ ચેલેન્જ બિયરની 74 પેટી, હેવર્ડસ બિયરની 106 પેટી એમ બંને જગ્યાએથી નાની-મોટી
બોટલ, બિયરના ટીન મળીને કુલ 23,729 બોટલ કિંમત રૂા. 62,95,061નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત
કરવામાં આવ્યો હતો. પકડાયેલા રામદેવસિંહ વાઘેલાની પૂછપરછ કરાતાં બંને ભાઇઓ મૂળ વાગડના
હાલે મુંબઇ રહેતા પટેલ નામના શખ્સ પાસેથી દારૂ મગાવતા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલો
શખ્સ મોબાઇલમાં વોટ્સએપ ઉપર દારૂની ડિલિવરી મળ્યા બાદ છૂટકમાં વેચાણ કરતો હતો અને તેની
ચેટ બાદમાં ડિલીટ કરી નાખતો હતો. પકડાયેલા રામદેવસિંહ સામે અગાઉ આડેસર, ભીલડીમાં તથા હરદેવસિંહ સામે આડેસરમાં દારૂ
સંબંધી ગુના નોંધાયેલા છે. પડતર મકાન અને દુકાનમાંથી દારૂને આડેસર પોલીસ મથકે લઇ જવા
માટે ચાર મોટા વાહનો મગાવવાની જરૂરત પડી હતી. આ ચાર વાહનોમાં માલ ભરીને આડેસર પોલીસ
મથકે લઇ જવાયો હતો. એસ.એમ.સી.એ સફળ કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસ તથા ગુનાશોધક શાખાનું
નાક કાપીને હાથમાં આપી દીધું હોવાનું બહાર આવ્યું હતું.