ભુજ, તા. 26 : કહે છે કે દાદા દુનિયા દેખાડે...
પોતે જીવનભર અનુભવેલા સારા-નરસા પ્રસંગના નીચોડરૂપ પૌત્ર-પૌત્રીને શીખ આપે... પરંતુ
માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બાળકરૂપી પૌત્રીની સાર-સંભાળની જવાબદારી જેના ઉપર
હોય તેવા જ દાદા તેની સગીર પૌત્રીને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરે તો તેને દાદા જ
કેમ કહેવા... ? આવો જ એક ફિટકાર વરસાવનારો
જઘન્ય બનાવ નખત્રાણાના એક તાલુકામાં બન્યો છે. આ ઉપરાંત અબડાસા તાલુકાના એક ગામમાં
પણ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. ગઇકાલે નખત્રાણા
પોલીસ મથકે ખુદ 14 વર્ષની સગીરાએ
જ તેના દાદા વિરુદ્ધ આ જઘન્ય અપરાધ અંગે ફરિયાદ નોંધાવી ત્યારે ફરિયાદ સાંભળનાર લખનારના
ક્રોધ સાથે ભવાં તંગ થયા અને ફિટકાર વરસી હતી. આજની તારીખે 14 વર્ષ ચાર મહિનાની આ સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તેના દાદાની સાર-સંભાળ
હેઠળ હોવા છતાં છેલ્લાં બે વર્ષથી તેના દાદાએ તેને ડરાવી-ધમકાવી જાનથી મારી નાખવાની
ધમકી આપી મારકૂટ કરી અવાર-નવાર મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી શરીર સંબંધ બાંધ્યા હતા.
પોલીસે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઇ એ.એમ. પટેલે હાથ
ધરી છે. તપાસકર્તા પીઆઇ શ્રી પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીની અટક કરી લેવાઇ છે. સગીરાના માતા-પિતા
અંગે પૂછતાં તેમણે કહ્યું કે, સગીરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં
તે તેના દાદાની સાર-સંભાળ હેઠળ હતી અને તેણે જ આ જઘન્ય અપરાધ કર્યાની ફરિયાદ નોંધાવતાં
પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ નલિયા પોલીસ મથકે પણ ગઇકાલે એક સગીરાના
વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 31-7થી 1-8 દરમ્યાન તેમની
સગીર વયની દીકરીને આરોપી સંજય ઉર્ફે સંજુ હિરા કોલી (રહે. કોઠારા, તા. અબડાસા)એ લલચાવી-ફોસલાવીને લગ્નની લાલચ
આપી ભગાડીને લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. પોલીસે પોકસો, દુષ્કર્મ સંબંધેની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઇ એસ.એમ. પટ્ટણીએ હાથ ધરી
છે.