• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

ભાડે રખાયેલાં 76 બેન્ક ખાતાંમાં 32.62 કરોડની હેરફેર

ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઓપરેશન મ્યુલ હંટ 2.0 તળે   ગેરકાયદેસર રીતે બેન્ક ખાતા ભાડે રાખીને બિનઅધિકૃત નાણાકીય વ્યવહારના વ્યવસ્થિત રીતે ચાલતા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી કુલ 76 બેન્ક ખાતાંમાંથી કુલ રૂા. 32.62 કરોડની ગેરકાયદે નાણાકીય લેવડ-દેવડ ઝડપી પાડી હતી. અંજારના અરજદારની અરજીના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ગાંધીધામ અને અંજાર આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને કમિશનની લાલચ આપી બેન્ક ખાતાઓ ભાડે આપવાનું નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આ નેટવર્ક તળે કુલ 69 ખાતાંની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણમાં આરોપી પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશ વાંજા, વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કરની ધરપકડ કરી 40 હજારના છ મોબાઈલ ફોન હસ્તગત લેવાયા હતા. અદાલતે આ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીની પૂછપરછ તથા બેન્ક ખાતાંઓની તપાસમાં પોલીસે કુલ 76 બેન્ક ખાતાંમાં કુલ 32,62,16,364 રકમ ઓનલાઈન સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગની ગુનાહિત પ્રવૃત્તિથી મેળવી હતી અને આ રકમની ગેરકાયદેસર  લેવડ-દેવડ કરાવી ઉઠાંતરી કરી હતી. આ ખાતાઓની તપાસમાં ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર કુલ 127 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં  વિવિધ પ્રકારના ઓનલાઈન છેતરપિંડીનો સમાવેશ થયો હતો. આ બેન્ક ખાતઓમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, મુંબઈ, તમીલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા તેલંગાણા વિગેરે અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ઓનલાઈન સમન્વય પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાઈ હતી. આખું નેટવર્ક ગાંધીધામ અને અંજાર તથા આજુબાજુના વિસ્તારોમાં ચલાવવામાં આવતું હતું. કુરિયર મારફતે બેન્ક કિટની વિગતો તથા બેન્કમાં ઈમેલ આઈ.ડી. તથા પાસવર્ડ વોટસએપના માધ્યમથી ગોવા રાજ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ગુનામાં સામેલ આરોપી વકાર હુશેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ અને પ્રિયાંક ઉર્ફે બીટુ ઉર્ફે શેઠ રમેશભાઈ ઠક્કરને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, અગાઉ પોલીસે ગત ફેબુઆરી મહિનામાં કુલ 256 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર ઝડપી પાડયા હતા. જે તે સમયે કુલ 13 આરોપી પૈકી 10  જણની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ગત જૂન મહિનામાં પણ પોલીસે કુલ 50 કરોડના બિનઅધિકૃત નાણાં લેવડ-દેવડનો પર્દાફાશ કરી  સાત પૈકી ચાર આરોપીને દબોચ્યા હતા.

આર્થિક લાભની લાલચમાં બેન્ક ખાતાં ન આપવા અપીલ

ગાંધીધામ, તા. 17 :  પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ પોતાના બેન્ક ખાતાં, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ, નેટબેકિંગ યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મિત્રતાના ભાવે ઓળખીતાને કે સગા-સંબંધીઓને કે અન્ય કોઈ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવા ન જોઈએ. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમના ગુનાઓને પ્રોત્સાહન માટે કરવામાં  આવે છે. જો કોઈ આ પ્રકાર પોતાના બેન્ક ખાતાંઓ કમિશન મેળવી આપ્યા હોય તો તેની વિગત સાયબર ક્રાઈમ પોલીસને આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

Panchang

dd