ભુજ, તા. 1 : ખાવડા બાજુ અંધૌની સીમમાં સરકારી પડતર જમીન ઉપર સાંઢાનો શિકાર કરતા શિકારીને
વન વિભાગે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા તેને જેલહવાલે ખસેડાયો છે. આ અંગે પૂર્વ કચ્છ વન વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ ગત તા. 30-7ના વન સંરક્ષક ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા,
મદદનીશ વન સંરક્ષક એસ.એ. ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર
રેન્જના ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર સર્વે નં. 314 પૈકીની જમીનમાં સાંઢા જીવ-1નો શિકાર કરતા સોડા અરજણ કોલી (રહે. ખાવડા)ની
અટક કરી તેની વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. આ આરોપીને ભુજના જ્યુ.
મેજિ. સમક્ષ રજૂ કરાતાં તેને જેલહવાલે કરાયો છે. આરોપી સોડા કોલી પાસેથી મૃત સાંઢો
જીવ-1, એક મોટરસાઇકલ કિં. રૂા. 18,000, એક મોબાઇલ કિં. રૂા. 400,એક ખુરપી, સાંઢાના દરમાં ફૂંક મારવા માટેનું
માટીનું સાધન-1 જપ્ત
કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ભુજ ઉત્તર રેન્જના વન અધિકારી જે.ઓ. હુમાદિયા, વનપાલ ઓ.જે. જાડેજા,
વનરક્ષક વાય.જી. દેસાઇ, બી.એમ. જાદવ, ચોકીદાર મુસ્તાક નોડે, ડ્રાઇવર શબીર સુમરા જોડાયા હતા.