ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ એલ.સી.બી.એ
ગાંધીધામમાં એક ગાડીમાંથી અંગ્રેજી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ભચાઉમાં
પાણીના ટાંકામાંથી રૂા. 35,110 દારૂનો જથ્થો ઝડપાયો
હતો. શહેરના શિવાજીપાર્કની સામે બેકિંગ સર્કલ તરફ જવાના માર્ગ ઉપર પોલીસે પૂર્વ બાતમી
આધારે મારુતિ સ્વિફ્ટ ગાડી નં. જીજે-12-ડીજી-5050ને રોકાવીને છાનબીન આરંભી હતી. દરમ્યાન આ વાહનમાંથી
ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલ કિં. રૂા. 75,762 તથા બે મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂા. 3,36,562નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ કાર્યવાહીમાં આરોપી
રાજવીરસિંઘ યાદવસિંઘ રાઠોડ, ખેતસિંઘ
પ્રેમસિંઘ દેવડા, રાવલગર સનણગર ગોસ્વામીની ધરપકડ થઈ હતી. ટ્રોલીબેગ અને સ્કૂલબેગમાં દારૂ હોવાનું
પણ સપાટી ઉપર આવ્યું હતું. પકડાયેલો જથ્થો રાજસ્થાનથી ટેન મારફતે ગાંધીધામ લવાયો હોવાનું
પોલીસે ઉમેર્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ
ધરી છે. ભચાઉ પોલીસે પોપટભાઈ રતનશીભાઈ ગાલાના
જૂના બંધ મકાનની છત ઉપર પાણીના ટાંકામાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે અહીં છાનબીન
હાથ ધરી હતી. દરમ્યાન અહીંથી ભારતીય બનવાટના વિદેશી દારૂના 214 ક્વાર્ટરિયા મળી આવ્યાં હતાં. આ પ્રકરણમાં સામેલ આરોપી
અજય ઉર્ફે લાલો સંજય કોળીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.