• શનિવાર, 16 મે, 2026

ભચાઉમાં સોનીની દુકાનમાં કામ કરનાર મહિલાએ જ હાથફેરો કર્યો

ગાંધીધામ, તા. 15 : ભચાઉમાં મહારાણા પ્રતાપ ગેટ પાસે આવેલી સોનીની દુકાનમાં કામ કરનાર મહિલાએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી રૂા. 2,80,000ના દાગીનાની ચોરી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આ મહિલા તથા તેની મદદગારી કરનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. ભચાઉના ભવાનીપુરમાં રહેનાર ફરિયાદી વેપારી જિજ્ઞેશ લખમશી સોની ગામના મહારાણા પ્રતાપ ગેટ પાસે આસ્થા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની પાસે 11 માણસ કામ કરે છે. ગઇકાલે સવારે તેમણે દુકાન ખોલી હતી, ત્યારે અન્ય સ્ટાફ આવી ગયો હતો, પરંતુ શિકરા ગામમાં રહેનાર નિરાલીબેન અશોક સાધુ ન આવતાં ફરિયાદીએ તેને ફોન કર્યો હતો. આ મહિલાએ પોતાના ઘરે મહેમાન આવવાના હોવાથી પોતે નહીં આવે તેમ જણાવ્યું હતું. દુકાનમાં દર અઠવાડિયે સ્ટોકની ગણતરી કરાતી હોય છે. ગઇકાલે પણ ગણતરી કરાતાં ચાંદીના સાંકળાની જોડી નંગ-બે તથા સોનાંની એક વીંટી ઓછી જણાઇ હતી. ફરિયાદીએ સી.સી.ટી.વી. કેમેરા તપાસ કરતાં દુકાનમાં કામ કરનાર નિરાલી સાધુએ તા. 12/5ના બપોરે 3ના અરસામાં દાગીનામાંથી સાંકળા કાઢી પોતાના ખિસ્સામાં મૂકી દીધા હોવાનું જણાયું હતું. તેને ફોન કરતાં પોતે બહાર હોવાનું કહ્યું હતું. એટલે ફરિયાદી તેના ઘરે જતાં તેના માતાએ નિરાલી દુકાને નોકરી ઉપર જવાનું કહીને રોજની જેમ ગઇ હોવાનું જણાવ્યું હતું. આ મહિલા કર્મચારીએ દુકાનમાંથી રૂા. 2,80,000ના દાગીના સેરવી લીધા હોવાનું બહાર આવતાં ગુનો દર્જ કરાયો હતો, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી આ મહિલાને પકડી પાડી હતી. તેની પૂછપરછ કરાતાં તેનો મિત્ર અયુબ સિધિક કુંભાર તેને આ દાગીના વેચી આપવામાં મદદ કરતો હોવાનું બહાર આવતાં પોલીસે તેને પણ પકડી પાડયો હતો. આ દાગીના ક્યાં વેચાયા હતા ? કે અન્ય કોઇને અપાયા હતા તે હજુ બહાર આવ્યું નથી. પોલીસે આ પ્રકરણમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

Panchang

dd