ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં જુદા-જુદા
વિસ્તારમાં દારૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદો વચ્ચે રાપર પોલીસે રણ માર્ગે કચ્છમાં દારૂનો જથ્થો લાવવાનો કારસાને નિષ્ફળ બનાવ્યો
હતો. પોલીસે રાપર તાલુકાના ફતેહગઢ-નર્મદા કેનાલ
પાસે ગાડીમાંથી રૂા. 5,16,660ના શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં ગુનામાં સામેલ આરોપી પોલીસને હાથતાળી
આપવામાં સફળ રહ્યો હતો. મઢુત્રા રણમાંથી દારૂ
ભરેલી ગાડી ફતેહગઢ-નર્મદા કેનાલથી આવવાની હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઈકાલે
રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી. દરમ્યાન પોલીસે ફોર્ચ્યુનર ગાડી નં જીજે-08-સીએમ-1801ને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, ચાલકે ગાડી
ઊભી રાખવાની જગ્યાએ પૂરઝડપે પાછળની તરફ દોડાવી હતી. આ ગાડીને કેનાલના લોખંડના પાઈપ
સાથે અથડાવીને અંધારાનો લાભ લઈને ચાલક રફુચક્કર થઈ ગયો હતો.પોલીસે આ વાહનની છાનબીન કરી તેમાંથી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની
વિદેશી દારૂ તથા બિયર સહિત કુલ 3684 બોટલ હસ્તગત લીધી હતી. આ
કાર્યવાહીમાં રૂા. 10 હજારનો મોબાઈલ ફોન તથા આઠ લાખની ગાડી સાથે કુલ રૂા. 13,26,660નો મુદ્દામાલ કબજે લેવાયો
હતો. આ પ્રકરણમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે સદારામ મેવારામ (રહે. બાડમેર, રાજસ્થાન)નું
નામ ખુલ્યું હતું. આ ગુનામાં સામેલ આરોપીઓને
પકડી પાડવા સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ
આરંભી છે.