• મંગળવાર, 25 જૂન, 2024

મીઠી રોહર પાસે હિટ એન્ડ રનમાં રાહદારી યુવાનનું મોત

ગાંધીધામ, તા. 30 : તાલુકાના મીઠી રોહર નજીક એ.વી. જોશી પુલ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડતાં ક્રિષ્ના ટગન રાય (ઉ.વ. 29)નું મોત થયું હતું. બીજીબાજુ ભચાઉથી સામખિયાળી વચ્ચે રોડ?પર ટ્રેઇલરની હડફેટે ચડતાં બાઇકચાલક સામા રવા કોળી (ઉ.વ. 24)નું મોત થયું હતું અને અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. મીઠી રોહરના રતન પ્લોટમાં રહી ટિમ્બરમાં કામ કરતા ક્રિષ્ના રાયનું મોત થયું હતું. ગઇકાલે પ્લોટમાં લાઇટ?ન હોવાથી આ યુવાન પોતાના રૂમથી બહાર ગયો હતો. તે મોડીરાત સુધી ન આવતાં તેની પત્ની ગૌરીએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. દરમ્યાન, આજે તપાસ કરાતાં ગઇકાલે એ. વી. જોશી પુલિયા પાસે સોઢા ટી હાઉસ પાસે અકસ્માત સર્જાયો હોવાનું અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલાએ રામબાગમાં તપાસ કરતાં તેના પતિનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પગપાળા માર્ગ ઓળંગી રહેલા આ યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ ભચાઉ-સામખિયાળી માર્ગ પર મઢુલી હોટેલ અને સેલ સિલેક્ટ પેટ્રોલપંપ વચ્ચે સર્જાયો હતો. બનાવના ફરિયાદી રાહુલ રાઘા કોળી અને તેના બનેવી સામા કોળી વોંધ લગ્નમાં ગયા હતા ત્યાંથી બાઇક નંબર જી.જે.-12- ઇ.આર. - 6192 લઇને પરત આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી બાજુ જતાં ટ્રેઇલર નંબર એમ.એચ. - 04 -જે.કે.- 3576ના ચાલકે સિગ્નલ આપ્યા વગર અચાનક વળાંક લેતાં બાઇક તેમાં અથડાયું હતું જેમાં ગંભીર ઇજાઓ પહોંચતાં સામા કોળીનું મોત થયું હતું. ફરિયાદી રાહુલને પણ ઇજાઓ થતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang