• સોમવાર, 12 મે, 2025

નારાણપરમાં ત્રણ લાખના શરાબ સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 30 : સ્થાનિક પોલીસ અને સ્થાનિક પોલીસને વિવિધ શાખાઓને એકબાજુ રાખીને રાજ્ય સ્તરની પોલીસે ભુજ તાલુકાના નારાણપર-પસાયતીમાં દરોડા પાડીને ત્રણ લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. આજે સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.એસ)એ બાતમીના પગલે નારાણપર-પસાયતીમાં રહેતા પ્રકાશ દેવજીભાઇ ફુફલના રહેણાક મકાન ઉપર દરોડો પાડી બિયરના ટીન તથા અલગ અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી કુલ્લ 1091 બોટલ જેની કિં.રૂા. 3,07,551 તથા વેન્યુ કાર કિં.રૂા. 7,00,000 અને એક મોબાઇલ કિં.રૂા. 5000 એમ કુલ્લે રૂા. 10,12,551ના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી લીધો હતો. આ શરાબનો જથ્થો તેને સહઆરોપી કરણસિંહ જાડેજા (રહે. બેરાજા) આપી ગયાનું જણાવ્યું હતું. પ્રકા સામે અગાઉ એક પ્રોહિબિશન સંબંધિત કેસ નોંધાયેલો છે. આ દરોડા અંગે સંબંધિતો પાસેથી મળેલી જાણકારી મુજબ એસએમસીએ બાતમીના આધારે પરોઢે દરોડો પાડયો હતો. બે કલાક સુધી દરવાજો ખૂલ્યો ન હતો. અંતે પોલીસે ઘરમાં ઘૂસી કાર્યવાહી કરતાં શરાબની 30 જેટલી પેટીઓમાં કુલ્લે 1091 બોટલ મળી આવી હતી. પટેલ ચોવીસીના ગામમાં શરાબનો આ ગણનાપાત્ર દરોડો પડતાં ચકચાર જાગી હતી. દારૂના આ વેપલા અંગે સ્થાનિક પોલીસ અંધારામાં હોવાનું સામે આવ્યું હતું. કચ્છના પાટનગર તેમજ ઔદ્યોગિક નગર ગાંધીધામ અને મુંદરામાં પણ દારૂની બદી માજા મૂકી રહી છે ત્યારે આ મોટા શહેરો પર પણ પોલીસ ધ્યાન કેન્દ્રિત કરે તો મોટી સફળતા મળવાનું સંબંધિતો જણાવી રહ્યા છે. આ દરોડા બાદ એસએમસીએ આરોપીને મુદ્દામાલ સાથે ગઢશીશા પોલીસને સોંપી આરોપી પ્રકાશ તથા દરોડા દરમ્યાન હાજર ન મળેલા કરણસિંહ વિરુદ્ધ પ્રોહિબિશનની ધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી આદરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd