ગાંધીધામ, તા. 8 : શિણાય-આદિપુર માર્ગ ઉપર પૂરઝડપે આવતાં ટેઈલરે મોટરસાઈકલ ચાલક
રાજનકુમાર વિનોદરામ (ઉ.વ.23)ને હડફેટે
લીધા હતા, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ યુવાને આંખો મીંચી
લેતાં ગમગીની પ્રસરી હતી. અંજાર-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર અજાણ્યાં વાહનની ટક્કરથી રાહદારી માવજીભાઈ દેવજીભાઈ પટેલ (ઉ.વ. 78)નું મૃત્યુ થયું હતું. ભચાઉ
તાલુકાના ચિરઈ નજીક એસ.ટી. બસમાંથી બહાર ફેકાઈ જતાં વાહન તળે આવી જવાથી પ્રવીણ ચેતનભાઈ
રાઠોડ (ઉ.વ.43)નું મૃત્યુ થયું હતું. અકસ્માતનો
આ બનાવ આજે સવારે 7 વાગ્યાના
અરસામાં અરાવ્વલી સોસાયટી પાસે બન્યો હતો. કન્ટેનર ટેઈલર નં. જીજે-12-એડબલ્યુ-7074ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે
અને બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે ચલાવીને
હિરો એચએફ ડિલક્ષ મોટરસાઈકલ નં. જીજે-12-ઈએન-3147ને ટક્કર
મારી હતી, જેમાં મોટરસાઈકલ ચાલક રાજનભાઈ ટેઈલરના આગળનાં
ટાયર તળે આવી ગયા હતા, જેને લઈને તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની
ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ
અંગે મૃતકના ભાઈ છોટેલાલકુમાર વિનોદરામની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત કરનારા વાહનચાલક
વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર વારંવાર અકસ્માત સર્જાતા હોવાની ફરિયાદો
વચ્ચે આદિપુર-શિણાય રોડ ઉપર પણ અકસ્માતના બનાવો વધતા આ માર્ગે ભારે વાહનો ઉપર પ્રતિબંધ
લાદવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. અકસ્માતનો વધુ એક બનાવ અંજાર-ગાંધીધામ માર્ગ
ઉપર કલ્યાણજીબાપા સોસાયટીની બાજુ સર્વિસ રોડ ઉપર ગત તા. 5/8ના 10.50 વાગ્યાના અરસામાં બન્યો હતો.
નિવૃત્ત જીવન ગાળતા માવજીભાઈ પોતાના મિત્રોને મળવા માટે હેબીટેડ સોસાયટીમાં પગે ચાલીને
જતા હતા. તે દરમ્યાન અજાણ્યા ટ્રકચાલકે તેમને હડફેટે લીધા હતા. આ વૃદ્ધને સારવાર માટે
લવાતાં રામબાગ હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સતિષભાઈ
માવજીભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો વધુ એક બનાવ
ભચાઉના મોટી ચિરઈ પાસે ગઈકાલે રાત્રિના બે વાગ્યાના અરસામાં બન્યો હતો. આગળના વાહને
બ્રેક મારતાં બારમેડ-ભુજ એસ.ટી. બસના ચાલકે બ્રેક મારી હતી. દરમ્યાન બસમાં મુસાફરી
કરતા પ્રવીણભાઈ બસના દરવાજામાંથી બહાર રોડ ઉપર પડયા હતા અને ટેઈલર તળે તેઓ કચડાયા હતા.
મૃતક ભુજ એસ.ટી. ડેપોમાં ડાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓના મામાનું ગત સપ્તાહમાં હૃદયરોગના
હુમલાના કારણે અવસાન થયું હતું. ગઈકાલે મૃતક
થરાદથી તેમના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે આ દુ:ખદ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.