• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગ્લાસગોમાં શાનદાર દેખાવે જગાવી નવી ઉમ્મીદ

ઇંગ્લેન્ડના ગ્લાસગો ખાતે 23મી કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે આગામી સ્પર્ધા માટે નવી ઉમ્મીદ જગાવી છે. ચંદ્રકોનાં સરવૈયાંમાં ભારતે 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સાથે 39 ચંદ્રક જીતીને ચોથું સ્થાન જાળવ્યું છે. મોટા ભાગની રમતોમાં ખેલાડીઓએ શાનદાર પ્રતિસ્પર્ધા કરી, ખાસ તો બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો. મુક્કેબાજીમાં તો સાત ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે સપાટો બોલાવી દીધો. ભારત એટલે  માત્ર ક્રિકેટ ક્રેઝી રાષ્ટ્ર એવું મહેણું મારનારાઓને આ મજબૂત જવાબ છે, સાથે ભવિષ્ય માટે મોટો શુભ સંકેત છે. 2047માં વિકસિત રાષ્ટ્ર બનવાનું મહેનત કરી રહેલાં ભારતનું સપનું સાકાર કરવું હશે તો દરેક ક્ષેત્ર અને સ્તરે ગુણવત્તાયુક્ત પ્રદર્શન જરૂરી બને છે. ગ્લાસગો ગેમ્સમાં બેડમિન્ટન કે નિશાનબાજી જેવી રમતોનો સમાવેશ નહોતો. ભારત આ બધી રમતોમાં પ્રતિભાશાળી ખેલાડીઓ ધરાવે છે. યોગાનુયોગ આજ અરસામાં બેડમિન્ટનમાં તન્વી શર્માએ તાઇપેઇ ઓમાન ખિતાબ જીત્યો. આ 17 વર્ષીય હોનહાર ખેલાડીનું આ પહેલું ઇન્ટરનેશનલ ટાઇટલ છે. પી.વી. સિંધુ જાપાન ઓમાનમાં ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચીને શિકસ્ત આપીને ચેમ્પિયન બની એવી જ રીતે એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાત્ત્વિક-ચિરાગે પ્રથમ ગોલ્ડ હાંસલ કરીને 58 વર્ષના દુકાળનો અંત આણ્યો. જુનિયર સ્ક્વોસ વિશ્વકપમાં અનાહતસિંહ વિજેતા થઇ. કુસ્તી, નિશાનબાજી, હોકી, ટેબલ ટેનિસ એ બધી ગેમ્સમાં ભારત પાસે પ્રતિભાશાળી ખેલાડીઓનો મોટો પૂલ છે. 2030માં હવે પછીની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં અમદાવાદ ખાતે યોજાશે, જેમાં આ બધી ગેમ્સનો ઉમેરો થવાની શક્યતા છે. યજમાન તરીકે ભારતના રમતવીરો સામે સર્વશ્રેષ્ઠ પ્રર્દશન કરવાનો પડકાર રહેશે. એવી જ રીતે અમદાવાદ ગેમ્સની તૈયારી અને સમગ્ર આયોજનની સફળતા ભવિષ્યમાં ઓલિમ્પિક માટેની યજમાનીનો માર્ગ કંડારશે. ગ્લાસગો ગેમ્સનું ભારતની દૃષ્ટિએ વધુ એક ધ્યાનાકર્ષક પાસું એ છે કે, આપણે જે ચંદ્રક જીત્યા તેમાં 61 ટકા પ્રદાન મહિલા ખેલાડીઓનું છે. 13 ગોલ્ડમાંથી આઠ મહિલાના ખાતે નોંધાયા છે. કેટલીક રમતોમાં નોંધપાત્ર સફળતા મળી છે. તેમ પાંચ રમતની તૈયારી પાછળ મહેનત, અઢળક ખર્ચ છતાં ચંદ્રક નથી મળ્યા એ નિરાશની વાત છે. આર્ટિસ્ટિક, જિમ્નાસ્ટિક, સ્વિમિંગ, ટ્રેક સાઈક્લિંગ, લોન બોલ્વ અને 33 બાસ્કેટ બોલમાં આપણું ખાતું ખૂલી ન શક્યું. તરણમાં 10 જણની ટીમ હતી, છતાં સફળતા હાથ ન લાગી. આ ઇવેન્ટ એવી છે, જેમાં ઓલિમ્પિક કે કોમનવેલ્થ જેવાં આયોજનોમાં સૌથી વધુ ચંદ્રકો દાવ પર લાગતા હોય છે. ભારતે ભવિષ્યની નજરે વૈજ્ઞાનિક ઢબે તૈયારી અત્યારથી આદરવી પડશે. ગ્લાસગો ગેમ્સના સમાપનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને અમદાવાદ ગેમ્સ માટે દુનિયાને નિમંત્રણ આપ્યું.

Panchang

dd