ભચાઉ, તા. 8 : કૃષિ વિસ્તરણમાં સંવાદ એ માત્ર
માહિતી આપવાનું સાધન નથી, પણ નવીન ટેક્નોલોજી
અને સરકારી યોજનાઓને ખેડૂતો સુધી સ્પષ્ટ અને વિશ્વાસપૂર્વક પહોંચાડવાનું માધ્યમ છે.
તેવી લાગણી ભચાઉ ખાતે આયોજિત તાલીમ વર્ગમાં વ્યક્ત કરાઈ હતી ભચાઉ સંશોધન કેન્દ્ર અને
આણંદ ઇ ઇ.આઈ.ના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો
તથા કૃષિ મહાવિદ્યાલયોના વૈજ્ઞાનિકો અને કૃષિ
અધિકારીઓ તેમજ વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. ડો. અલ્પેશ જતાપરાએ
સંસ્થાનો પરિચય આપીને અધિકારીઓને કાર્યક્ષમતા અને નેતૃત્વ વિકાસ માટે તાલીમની ઉપયોગિતા
દર્શાવી હતી. તાલીમ દરમિયાન ડો. જે.ડી દેસાઈએ સંવાદ એ ટેક્નોલોજીને સરકારી યોજનાઓ વિશ્વાસપૂર્વક
ખેડૂતો સુધી પહોંચાડવાનું માધ્યમ છે તેમ જણાવ્યું હતું. સંશોધન કેન્દ્રના વડા ડો. આર.
એમ. જાડેજા તથા વિસ્તરણ નિયામક ડો. પી.એસ. પટેલે તાલીમાર્થીઓને આ જ્ઞાનનો ઉપયોગ ખેડૂતો
સાથે વિશ્વાસ પૂર્ણ સંબંધો બાંધીને વધુ અસરકારક અને પરિણામલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે
કરવા પ્રેરણા આપી હતી. પાંચ દિવસીય તાલીમમાં પ્રચાર શિક્ષણ ભવન આણંદના નિષ્ણાતો દ્વારા
વક્તૃત્વ તથા હકારાત્મક વલણ તેમજ તણાવ વ્યવસ્થાપન, ટીમ નિર્માણ,
રજૂઆત કૌશલ્ય, સક્રિય શ્રવણ અને નેતૃત્વ વિકાસ
જેવા વિષયો ઉપર વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.