• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

વાગડમાં દર્દ દૂર કરવાની વિધિના બહાને દાગીના પડાવતી ગેંગ ઝડપાઈ

રાપર, તા. 8 : વાગડમાં પીડા દૂર કરવાની વિધિના બહાને ઘરમાં પ્રવેશી દાગીના પડાવતી ગેંગનો રાપર તાલુકામાં પર્દાફાશ થયો છે. આ મામલે મોડી રાત્રે કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ તાલુકામાં કલ્યાણપર ગામે રબારી પરિવારને ઠગ ત્રિપુટીએ નિશાન બનાવ્યો હતો. આ શખ્સોએ ખભાનો દુ:ખાવો દૂર કરવાની વિધિનાં નામે માટીની કુલડીમાં દાગીના મુકાવ્યા હતા. આંખ બંધ કરી પ્રાર્થના કરવાનું ઠગબાજોએ કહ્યું હતું. આ દરમિયાન કુલડી બદલી દાગીના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના નાના દીકરાએ કુલડી બદલાતી જોઈ લેતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો  હતો. આ ઘટના રબારી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયા મારફત વહેતી કરી હતી  તેમજ પોલીસને જાણ કરાઈ હતી. શરૂઆતમાં કલ્યાણપર ગામમાં ત્યારબાદ આડેસર હાઇ-વે માર્ગ પર નાકાબંદી કરાઈ હતી. રાપર પી.આઈ. આર.એલ. ખટાણા અને પોલીસની ટીમે મોબાઈલ લોકેશન તથા સીસીટીવીના આધારે ગરામડી નજીક ગાડી રોકી ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા. આ લખાય છે ત્યારે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. રાપર તાલુકામાં અન્ય પરિવારો સાથે પણ આવી ઠગાઈ થઈ હોવાની આશંકા સાથે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd