• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ડીપીએ એસઆરસીના સહયોગથી ગાંધીધામ-આદિપુરનો વિકાસ થશે

ગાંધીધામ, તા. 8 : શહેરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપતી પાયાની સંસ્થા સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં કેબિન ગુમાવનારા નાના ધંધાર્થીઓને પુન:સ્થાપિત કરવા માટે આદિપુરમાં ભાઈપ્રતાપ શોપિંગ કોમ્પ્લેક્સનું આજે ખાતમુહૂર્ત કરાયું હતું. નાના ધંધાર્થીઓને પુન: સ્થાપિત કરવાનો આ પ્રકલ્પ મહત્ત્વપુર્ણ હોવાની લાગણી આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી. આદિપુરમાં ટીસીપીસી મેદાન ખાતે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં મુખ્ય અતિથિ પદેથી બોલતા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગાંધીધામના આદ્ય સ્થાપક ભાઈપ્રતાપે સુનિયોજિત રીતે શહેરનો વિકાસ કર્યો હતો. નાની વયે જ મહાનગર બનેલાં ગાંધીધામને તે જ સ્વરૂપમાં પાછું લાવવા માટે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી અને તેમાં નાના વેપારીઓ સહિત સૌએ સહયોગ આપ્યો અને તેના સહયોગથી જ શહેરના વિકાસની ગતિ આગળ વધી છે. એસ.આર.સી. દ્વારા નિર્મિત આ પ્રકલ્પથી નાના ધંધાર્થીઓને સારો લાભ મળશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધીધામ-આદિપુરમાં દીનદયાલ પોર્ટ અને એસઆરસી પાસે જ જમીનો છે. આ શહેરનો વિકાસ ડીપીએ અને એસઆરસીના સહયોગથી જ થઈ શકશે તેવું તેમણે જણાવ્યું હતું. ધારાસભ્યએ ગાંધીધામ-આદિપુરમાં 700 કરોડથી વધુનાં વિકાસકામો ચાલી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. એસઆરસીના ચેરમેન સેવક લખવાણીએ જણાવ્યું હતું કે,   ગાંધીધામના આદ્યસ્થાપક ભાઈપ્રતાપના આશિર્વાદથી 220  દુકાનના પ્રકલ્પ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ શરૂઆત છે તેવું કહી આગામી સમયમાં આદિપુર અને ગાંધીધામમાં પણ વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. એસઆરસીના સીઈઓ હરિશ થારવાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકલ્પ માત્ર ભવન નિર્માણનો આરંભ નથી, પરંતુ ન્યાય, પુનર્વાસ અને સામાજિક ઉત્તરદાયિત્વની દિશામાં લેવાયેલું ઐતિહાસિક પગલું છે, જે પરિવારોની આજીવિકા દબાણ હટાવ ઝુંબેશમાં પ્રભાવિત થઈ છે તેનું પુન:વસન કરવાની સામુહિક જવાબદારી હોવાનું ઉમેર્યું હતું. આજ ભાવનાથી એસઆરસી દ્વારા 220 દુકાનનું નિર્માણ કરાશે. પ્રોજેક્ટ અંગે વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, નો પ્રોફિટ નો લોસના આધારે દુકાનોનું નિર્માણ કરાશે, આમ યોજના ગાંધીધામ મહાનગરપાલિકાના સહયોગથી સંચાલિત કરાશે અને તમામ લાભાર્થીઓને દુકાની ફાળવણી નિષ્પક્ષ, પારદર્શી  રીતે કરાશે  અને સૌને સમાન અધિકાર મળશે તેવું કહ્યું હતું. કોમ્પલેક્સમાં લિફ્ટની પણ સુવિધા વિકસાવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તેજશ શેઠ, કુમાર રામચંદાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી મહેશ તીર્થાણી, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, નાયબ કમિશનર સંજય રામાનુજ, મંચસ્થ રહ્યા હતા. આ પ્રસંગે ચેમ્બરના ખજાનચી કૈલેસ ગોર, કારોબારી સભ્ય રાકેશજૈન, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની, એસઆરસીના ડાયરેક્ટર્સ, હરિશ કલ્યાણી, નીલેશ પંડયા, ધ્રુવ દરિયાણી, મહેશ લખવાણી, ભરત રાજાણી, કલ્પેશ આહુજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ દુકાનો માટે શ્રમજીવી ઉત્કર્ષ એસોસીએશનના કાનજીભાઈ અને તેમની ટીમ અને આદિપુર-ગાંધીધામ વેપારી એસોસીએશનના વિક્રમ ભાટિયા અને તેમની ટીમ દ્વારા એસઆરસીના પદાધિકરીઓનું સન્માન કરાયું હતું. આભારવિધિ એસઆરસીના ડેપ્યુટી ચેરમેન લલિત વિધાણીએ કરી હતી.

Panchang

dd