• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ગાંધીધામ : માર્ગો પર ભ્રમણ કરતું મોત : ઊંઘતું તંત્ર

ગાંધીધામ, તા. 8 : વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ મહાપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર અબોલ પશુઓ, ગૌવંશનો જમાવડો ચિંતાજનક હદે વધી ગયો છે. ભીનાશ અને ગંદકીના કારણે માખીઓ, જીવાતોના ઉપદ્રવથી બચવા આ અબોલ પશુઓ જાહેર રોડ પર આવીને બેસી જાય છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે માખીઓ દૂર ભાગતી હોવાથી પશુઓને ક્ષણિક રાહત મળે છે, પરંતુ આ સ્થિતિ વાહનચાલકો અને લોકો માટે કાળજિયાર રૂપ બની છે.

કોઈના ઘરનો કુળદીપક બુઝાશે તો જવાબદાર કોણ ?

શહેર સંકુલમાં રસ્તાની વચ્ચોવચ બેસતી, અંદરોઅંદર લડતા અને રસ્તા પર જતાં વાહનો સામે અચાનક દોડી આવતા આખલાઓ અને ગૌવંશના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ સંકુલમાં રખડતા પશુઓના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે સ્થાનિકો એક જ સવાલ પૂછી રહ્યા છે. કાલે ઊઠીને કોઈ પરિવારનો વ્હાલસોયો કે ઘરનો કુળદીપક અકસ્માતમાં જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ ? કમિશનર પદાધિકારીઓ કે તંત્ર ?

ઢોર પકડવાની કામગીરી ઠપ : તંત્ર તમાશબીન

છેલ્લા લાંબા સમયથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આખલા પકડવાની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓ, પદાધિકારીઓ એ.સી.માં બેસીને માત્ર કાગળ પર યોજનાઓ બનાવે છે, જ્યારે વાસ્તવમાં માર્ગો પર મોત ભ્રમણ કરી રહ્યું છે.

જાહેરમાં ઘાસચારો વેચનારાઓ સામે સમખાવા પૂરતી કાર્યવાહી નથી

શહેર સંકુલના માર્ગો, ચોકડીઓ પર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચતા લોકો સામે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા આક્ષેપો ઊઠી રહ્યા છે. આવા લોકો સામે સમખાવા પૂરતી પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે રોડ પર જ પશુઓને ખવડાવવાની પ્રવૃત્તિઓ વધે છે ને પરિણામે પશુઓનો જમાવડો વધુ ઘેરો બને છે. જો મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે પશુ પકડ ઝુંબેશ શરૂ નહીં કરે અને ઘાસચારો વેચનારાઓ સામે કડક કાનૂની પગલાં નહીં ભરે તો કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને આ સળગતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અગાઉ પાલિકાએ ટાગોર રોડ પર બેસતા ગૌવંશને હટાવવા માટે માણસો રાખ્યા હતા તેવી કામગીરી પણ ન કરાતી હોવાનું જાણવા મળ્યું હતું.

Panchang

dd