હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 15 : રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ઓગષ્ટના અંતિમ સપ્તાહ દરમ્યાન મળશે. 22મી જુલાઈ-2025ના ગૌણ વિધાન સમિતિની બેઠક વિધાનસભા ખાતે મળશે, જેમાં ચોમાસુ સત્રની તારીખો અંગે ચર્ચા થયા બાદ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. જેની જાણ રાજ્યપાલને કરાયા બાદ રાજ્યપાલ દ્વારા વિધાનસભાનાં ચોમાસુ સત્ર માટે સત્તાવાર આહવાન કરશે. હાલને તબક્કે માલુમ પડયા મુજબ 25મી, ઓગષ્ટથી 28મી ઓગષ્ટ દરમ્યાન આ સત્ર યોજાશે. 27મી ઓગષ્ટે ગણેશ ચતુર્થીની રજા હોવાને કારણે ચોમાસુ સત્ર 25, 26 અને 28મી ઓગષ્ટ એમ ત્રણ દિવસ માટે યોજાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ સત્ર દરમ્યાન જીએસટી દર સુધારા વિધેયક ઉપરાંત અન્ય સરકારી કામકાજો હાથ ધરાશે. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય અને રાજ્ય સરકારને કોઈ કાયદામાં સુધારો કરવાની ઉતાવળ હોય કે આવશ્યકતા હોય, ત્યારે સરકાર દ્વારા વટહુકમ બહાર પાડીને આવો સુધારો કરી દેવાય છે. આ વખતે પણ રાજ્ય સરકારે જીએસટી દરમાં સુધારા અંગે 12મી, જૂન-2025ના એક વટહુકમ જાહેર કર્યો હતો. જેને હવે વૈધાનિક સ્વરૂપ આપવા માટે સરકાર દ્વારા આ અંગેનો સુધારા વિધેયક લવાશે. રાજ્ય વિધાનસભામાં ભાજપના 161, કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટીને ચાર, એસપીના એક અને અપક્ષ બે ધારાસભ્ય છે. આ વખતે ચોમાસુ સત્ર યોજાશે, ત્યારે વિરોધ પક્ષ પાસે મોંઘવારી, બેરોજગારી, આત્મહત્યા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, બિસમાર રોડ-રસ્તા, કૌભાંડો સહિતના સંખ્યાબંધ પ્રશ્નો અને લોક-સમસ્યાઓ જેવા પ્રશ્નો છે, જેને લઈ તેઓ સરકાર પાસે જવાબ માંગી શકે છે કે, સરકારને ભીંસમાં લઈ શકે છે, પણ આ વખતે વિધાનસભા ગૃહમાં વિપક્ષના સાવ નાના અને ઓછા સંખ્યાબળને કારણે તે શક્ય બનતું નથી. આમ છતાં આ વખતે આમ આદમી પાર્ટીના પેટા-ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય કઈ રીતે સરકારને ઘેરશે તે એક પ્રશ્ન છે.