મોરબી અને વિસાવદરના ધારાસભ્યોએ યોજેલો `શો' ગાંધીનગરમાં અત્યાર પૂરતો તો પૂરો
થયો છે. જો કે, આ `ચેલેન્જ
રાજનીતિ' હવે ગુજરાતના જાહેર જીવનનો એક નવો આયામ ન બને તો સારું તેવી
ચિંતા શરૂ થઈ છે. પાયા વગરની, ક્ષુલ્લક વાતમાંથી શરૂ થયેલો પ્રશ્ન
મોટો વિવાદ બની ગયો. માનવ કલાકોનો વ્યય થવા સિવાય તેનું કોઈ પરિણામ નથી તે પહેલેથી
નક્કી હતું. રાજનીતિમાં સાચા વિરોધનું પ્રમાણ તો આમ પણ ઘટી ગયું છે. મોટાભાગે સ્ટંટ
થતા રહે છે. લોકોના પ્રશ્ને આંદોલન હોવા જોઈએ, પરંતુ આજે જે થયું
તેનાથી કોઈ સમસ્યાનો હલ આવતો નથી. વિધાનસભાની વિસાવદર બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા આમ
આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના સિનિયર અગ્રણી, ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે વિમ્બલ્ડન ટેનિસની જેમ `ચેલેન્જ ટ્રોફી' રમાઈ ગઈ. મુદ્દો
એટલો જ હતો કે, મોરબીની સમસ્યાઓ અંગે આંદોલન કે વિરોધ થાય ત્યારે
એવું સતત બોલાયું કે, `અહીં
પણ વિસાવદરવાળી થશે' એટલે કે, ભાજપ
હારશે. આ વાતનું કાંતિભાઈ ઉર્ફે કાનાભાઈને લાગી આવ્યું. તેમણે કહ્યું `હું પણ રાજીનામું આપું, ગોપાલ ઈટાલિયા પણ રાજીનામું આપી દે. બંને ચૂંટણી લડીએ અને ગોપાલ જીતે તો રૂા.
બે કરોડ ઈનામ' પડકાર ફેંકાયો. સોમવારે ગાંધીનગરમાં કાંતિભાઈ તેમના સમર્થકો સાથે
પહોંચ્યા. વચ્ચે વળી તેમનો અવાજ માનવામાં આવે છે, તેવો ઓડિયો
વાયરલ થયો. ગોપાલ ઈટાલિયા ત્યાં ન ગયા. પ્રજાએ રીલ્સના માધ્યમથી, પોસ્ટના માધ્યમથી આખું પ્રકરણ `માણ્યું'. આ સમગ્ર ઘટનાક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન અત્યંત
અગત્યનું છે. ફક્ત આ બે નહીં, પરંતુ તમામ ધારાસભ્યોએ તે કાને
ધરવા જેવું છે. માધ્યમોએ શંકરભાઈને પૂછયું કે, તમારું આ અંગે
શું કહેવાનું છે? ત્યારે તેમણે કહ્યું `ઉપર
કોઈ આવે ત્યારે વિષય આવે. મારી પાસે હજી આ વિષય આવ્યો નથી. વિધાનસભા અધ્યક્ષ તરીકે
હું માનું છું કે, બંને પક્ષે લોકોનું કામ કરવું જોઈએ.' શંકર ચૌધરીની આ સલાહ ગાંઠે બાંધી
રાખવા જેવી છે. આ બે જ નહીં અન્ય ધારાસભ્ય, સાંસદ કે કોઈ પણ જનપ્રતિનિધિએ
કોઈ નિષ્કર્ષ ન હોય તેવા વિવાદમાં પડવાને બદલે ખરેખર જે સમસ્યાઓ છે, તેના ઉકેલ તરફ ધ્યાન આપવું જોઈએ. પ્રશ્નો ઘણા છે. સફાઈ કે પાણી જેવી રોજિંદી
બાબતથી શરૂ કરીને વારંવાર ધીમા પડતાં સરકારી સર્વર, `ઈ-કે.વાય.સી.' જેવા મુદ્દે પરેશાન
થતા લોકો એ બધે ધ્યાન આપવા જેવું છે. આવા પડકારો આપવાથી કશું ન થાય. પડકાર એવો અપાવો
જોઈએ કે, `છ માસ પછી મારા વિસ્તારમાં એક
પણ પડતર પ્રશ્ન નહીં હોય! જોઉં છું અન્ય કયા ધારાસભ્ય આવું કરી બતાવે છે?' આવો પડકાર અપાશે ત્યારે લોકો પોતે વીડિયો વાયરલ કરશે.