ભુજ, તા. 15 : મુંદરામાં
તસ્કરો બેખોફ બન્યા છે. એક સોસાયટીમાં ઘરના નકુચા તોડી ચોરી કર્યા બાદ સુરક્ષા ગાર્ડ
ઉપર ડિસમીસથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મુંદરા પોલીસ મથકે બારોઇની
ગોકુલમ સોસાયટીમાં મકાન નં. 53માં
રહેતા પંકજભાઇ રમેશભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘર બંધ કરી પત્ની સાથે
ગાંધીનગર ગયા હતા. 14મીના અડધી રાત્રે સિક્યુરિટીના
હરદેવસિંહનો તેમને ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તમારા ઘરના નકુચા
તોડીને તેમાંથી ચોરી થઇ છે. ઘર આવતાં સામાન વેર-વિખેર હતો. કબાટમાંથી ચાંદીના 11 સિક્કા, રોકડા રૂા. 34,500 અને ઇમિટેશન જ્વેલરી એમ કુલે રૂા. 40,000ની ચોરી થઇ હતી. સિક્યુરિટીના હરદેવસિંહે ચોરીના બનાવ
અંગે જણાવ્યું હતું કે, ત્રણેક ઇસમે નકુચો તોડી ચોરી કરી અને
તે સી.સી. ટી.વી. જોતા હતા અને શંકા જતાં સોસાયટીના લોકોને ફોન કરતાં એકત્ર થઇ ગયા
હતા અને તેઓએ એક ઇસમ સુરમ કાલિયા મીનાવા ભીલ (રહે. ઉદયગઢ, જિ.
અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને પકડી લીધો હતો અને આ ચોર ઇસમે ડિસમીસ
અને ટોર્ચથી હરદેવસિંહ ઉપર કપાળના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આમ, આરોપી સુરમ તથા અજાણ્યા બે ઇસમ સામે ચોરી થતાં હુમલા અંગે ફરિયાદ નોંધી મુંદરા
પોલીસે છાનબીન આદરી છે.