• બુધવાર, 16 જુલાઈ, 2025

ગાંધીધામમાં માર્ગોના ખાડાના પેચવર્કમાં લીંપાપોતી

ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરોમાં તત્કાલીન સમયની નગરપાલિકા વખતના હલકી ગુણવત્તાના મટેરીયલ્સથી બનેલા માર્ગો સાવ તૂટી ગયા છે, મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, લોકોને શારીરિક પીડાઓ થઈ રહી છે, વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે. જનાક્રોશને ધ્યાને લઈને મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા માર્ગો ઉપર ડામરના પેચવર્કની કામગીરી શરૂ કરાવવામાં આવી છે, પરંતુ કામ સાવ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શહેરના વોર્ડ 12-બી, જૂની કોર્ટ રોડ, સહિતના જોડિયા શહેરોના અલગ અલગ વિસ્તારોમાં જે માર્ગો ઉપર ડામરનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, તેની ઉપર દેખરેખનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. જે કામગીરી થઈ રહી છે તેની ઉપર વાહનચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે અને કામ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાના આક્ષેપો કરી રહ્યા છે. જેવી રીતે ગુરુકુળમાં એક કાર્યક્રમ હતો એ માટે ડામરનું પેચવર્ક કર્યું હતું અને ત્યાર પછી થોડો વરસાદ પડતા ખાડાઓમાંથી ડામર ગાયબ થઈ ગયો હતો. માત્ર ઝીણી કાંકરી રહી ગઈ હતી. ફરી ત્યાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, હવે વધારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આવું અન્ય વિસ્તારોમાં ન થાય તે માટે અત્યારે જે પેચવર્કની કામગીરી થઈ રહી છે તેની ઉપર દેખરેખ રાખવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યા હતા. મહાનગરપાલિકાએ જોડિયા શહેરોમાં પેચવર્ક માટે એજન્સીને કામ આપ્યું છે. કમરતોડ ખાડાઓને પૂરવા માટે કામગીરી થઈ રહી છે. વહીવટી તંત્રનો હેતુ સાચો છે, પરંતુ તે જમીન ઉપર યોગ્ય રીતે સાર્થક થતો દેખાતો ન હોવાના આક્ષેપો પ્રબુદ્ધ નાગરિકો પણ કરી રહ્યા છે. મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનીયારિંગ વિભાગ આ કામગીરી ઉપર સતત દેખરેખ રાખે અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરીને ગુણવત્તાયુક્ત કામગીરી કરાવે તેવી માંગ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મોટા મોટા ખાડાઓમાં પેવરબ્લોક નાખવાની પણ કામગીરી થઈ રહી છે. હાલના સમયે તો લોકોને મુશ્કેલીઓ ઓછી પડે તે માટેનાં કામો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયાં છે, પરંતું ગુણવત્તા જળવાઈ રહે તે જોવું પણ અતિ આવશ્યક છે.

Panchang

dd